ત્રાસવાદીને શોધવાની કવાયત સ્ટીંગ ઓપરેશનમાં પણ ફરજ બજાવી હતી !
મોરબી તાલુકાના નારણકા ગામના વતની અને અમદાવાદમાં જીવરાજ પાર્કમાં રહેતા પરસોતમભાઈ આશારામભાઈ શ્રીમાળીનું દુખદ અવસાન થયેલ છે. તેઓ હાલ નાગરિક સંરક્ષણ દળમાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમના અવસાનથી પોલીસકર્મીઓ તથા પરિવારમાં ગમગીની વ્યાપી છે.
સન 1981 થી 1983 સુધી નારણકા ગામની હાઈસ્કૂલમાં આચાર્ય મનજીભાઈ વાધડિયા પાસે અભ્યાસ કરેલ પરસોતમભાઇ અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર હતા અને 1984 માં ગુજરાત પોલીસમાં ભરતી થયા અને 1990 થી 1991 માં CBI (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન) કેન્દ્રમાં ફરજ બજાવી ચુક્યા છે. આ ઉપરાંત 1992 માં NSG (નેશનલ સિક્યુરિટી ગાર્ડ-બ્લેક કમાન્ડો) નવી દિલ્હી ખાતે તેમણે ટ્રેનિંગ લીધી હતી અને 1997 થી 2002 સુધી મંત્રીઓની સલામતી શાખામાં ફરજ બજાવી ચુક્યા છે.
ગર્વની વાત તો એ હતી કે, 2002 માં અક્ષરધામ હુમલામાં સેંકડો લોકોને રક્ષણ પુરૂ પાડવામાં તથા ત્રાસવાદીને શોધવાની કવાયત સ્ટીંગ ઓપરેશનમાં પણ પરસોતમભાઇ શ્રીમાળીએ ફરજ બજાવી હતી. તદુપરાંત ATS (Anti-Terrorism Squad) માં ફરજ બજાવી અનેક ગુન્હેગારોને ઝડપી પાડનાર પરસોતમભાઈને સરકાર દ્વારા અનેક ઈનામો આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા ત્યારે બહુ લાંબા સમયથી બિમાર પરસોતમભાઈનું ગઇકાલે રવિવારે રાત્રે દુ:ખદ અવસાન થતા હાલ અંતિમક્રિયા માટે અમદાવાદથી નારણકા ખાતે લાવવામાં આવી રહ્યા છે.
