650 થી વધુ બોટલ રક્ત એકત્ર કરાયું : રાજકીય, સામાજીક તેમજ અગ્રણી ઉધોગપતિઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મોરબીનાં પાટીદાર અગ્રણી અને સેવાના ભેખધારી સ્વ. શિવલાલભાઈ ઓગણજા એટલે કે શિવાબાપાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં વિપુલ પ્રમાણમાં રક્તદાન માટે લોકો એકત્રિત થતાં શિવાબાપાને ખરી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી ત્યારે સ્વર્ગસ્થ શિવાબાપાની અસીમ સેવા આજે પણ લોકોના દિલો દિમાગમાં સમાયેલી છે તે ફલિત થયું છે. આ પ્રસંગે મોરબીના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને અનેક સંસ્થાઓના મોભીઓ હાજર રહ્યા હતા.

મોરબીના પાટીદાર રત્ન અને સેવાના ભેખધારી તેમજ પોતાના જીવન દરમિયાન સતત સેવાના કાર્યોમાં રચ્યાપચ્યા રહેતા સ્વ. શિવલાલભાઈ ઓગણજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબીની પટેલ કન્યા છાત્રાલય ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી રક્તદાન કરતા અંદાજે 650 થી વધુ બોટલ રક્ત એકત્ર થયું હતું અને લોકોએ શિવાબાપાની સેવાકીય પ્રવૃત્તિને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથારિયા, ઉદ્યોગપતિ કિરીટભાઈ પટેલ તેમજ કાઉન્સિલર સુરેશભાઈ દેસાઈ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. આ ઉપરાંત મોરબીના યુવા આર્મી ગ્રુપના મેમ્બરોએ સહયોગી બની સેવા આપી હતી જયારે એલ ઈ કોલેજનાં પીએસજી ગ્રુપના 50થી વધારે વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું હતું. આ મહારક્તદાન કેમ્પની સાથે સાથે છગન ભગત સીતારામ મંડળ રામગઢ કોયલી દ્વારા રામ ધુન અને સુંદરકાંડના પાઠ પણ કરવામાં આવ્યા હતા.
