ગેસના ભાવવધારાએ સિરામિક ઉદ્યોગની કરોડરજ્જુ ભાંગી નાખી !
મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામીક ઉદ્યોગને સરકારનું પ્રોત્સાહન મળવાને બદલે સરકારી કંપનીઓ દ્વારા જ અસહ્ય ભાવવધારા ઝીંકવામાં આવતા કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતા સિરામીક ઉદ્યોગની કરોડરજ્જુ ભાંગી નાખવામાં આવી હોવાનું સ્પષ્ટ બની રહ્યું છે જેમાં વિધાનસભાની પેટા ચૂંટણી સમયે રૂ. 27 ના ભાવે મળતા નેચરલ ગેસનો ભાવ હાલમાં રૂ. 70 ને વટાવી જતા સિરામિક ઉદ્યોગની હાલત કફોડી બની છે.
કોરોના મહામારી બાદ હજુ તો ઉદ્યોગની ગાડી પાટે ચડી હતી ત્યારબાદ ફરી મોરબીના સીરામીક ઉદ્યોગમાં મંદીના વાદળો છવાયા છે. મહિને એક હજાર કરોડની નિકાસ કરતો સીરામીક ઉદ્યોગ છેલ્લા બે વર્ષમાં અનેક વખત ગેસના ભાવ વધારાના કારણે ઝઝૂમી રહ્યો છે. સતત વધી રહેલો ગેસનો ભાવ વધારો સીરામીક ઉદ્યોગ માટે મરણતોલ સાબિત થઈ શકે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ઔદ્યોગિક ગેસમાં વારંવાર ભાવવધારાને કારણે પહેલેથી જ આફતમાં મુકાયેલો મોરબીના સિરામિક ઉદ્યોગ પર ઉપરાઉપરી ડામ આવ્યા છે જેથી ઘણા બધા સિરામિક એકમો બંધ થવાની કગાર પર છે.
વર્ષ 2020 ના સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી હતી જેમાં મોરબી માળીયા બેઠકનો પણ સમાવેશ થતો હતો ત્યારે મોરબીના સિરામીક ઉદ્યોગને 27 રૂપિયાના ભાવે ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ આપવામાં આવતો હતો જો કે ધીમેધીમે કરતાં આજે તેનો ભાવ 70 રૂપિયાથી પણ વધી ગયો છે જેથી સિરામિક પ્રોડકટની કોસ્ટ ઉંચી જઈ રહી છે અને સિરામિક ઉદ્યોગને વૈશ્વિક હરિફાઇમાં ટકી રહેવું લોઢાના ચણા ચાવવા સમાન છે. મોરબી માળીયા બેઠક ઉપરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા જે હાલમાં રાજ્ય સરકારના પંચાયતમંત્રી છે જો કે, પેટા ચૂંટણી પહેલા મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ગેસ કંપની દ્વારા 27 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરના ભાવથી ગેસની સપ્લાઈ કરવામાં આવી રહી હતી અને ચૂંટણી પૂરી થયા બાદ ગેસના ભાવમાં તોતિંગ વધારા કરવામાં આવેલ છે.
વિધાનસભાની પેટા ચૂંટણી સમયે મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓને સુવિધાઓ વધારવાની જે તે સમયે પ્રચારમાં આવેલા ભાજપના મંત્રીઓ અને આગેવાનોએ ખાતરી આપી હતી પરંતુ સુવિધાઓની જગ્યાએ દુવિધામાં વધારો કરવાનો હોય તેમ સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે જેથી મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર કરોડો રૂપિયાનું ભારણ છેલ્લા બે વર્ષમાં વધી ગયું છે.
ગેસ કંપની દ્વારા જે રીતે છેલ્લા વર્ષોમાં ગેસના ભાવમાં વધારો કરેલ છે તેના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગકારોની ઉંઘ હરામ થઈ ગઈ છે કેમ કે, ગેસ કંપની દ્વારા રાતોરાત ગેસના ભાવમાં વધારા કરવામાં આવે છે અને મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસે માલના ઉત્પાદન માટે નેચરલ ગેસ સિવાય બીજો કોઈપણ વિકલ્પ નથી જેથી ગેસ કંપની સામે મોરબીનું સિરામિક ક્લસ્ટર લાચાર છે. તો એક બાજુ સ્થાનિક લેવલે કોઈ પણ પ્રકારની સારી પ્રાથમિક સુવિધા સિરામિક ઝોનમાં નથી અને એક્સ્પોર્ટ માટે કન્ટેનર સહિતના પ્રશ્નો છે જેથી મોરબીના સિરામિક ઉદ્યોગની દિવસેને દિવસે મુશ્કેલીઓ વધી રહી છે ત્યારે ગેસના ભાવ મુદે સરકાર કેમ કોઈ દરમિયાનગીરી કરતી નથી તે પણ એક પ્રશ્ન છે !