મોરબી : મોરબીના શકત શનાળા ખાતે આવેલ પટેલ સમાજ વાડી ખાતે સેતુબંધ ફાઉન્ડેશન મોરબી અને ઈન્ટરનેશનલ હયુમન રાઈટ્સ એસોશીએશનના સંયુક્ત ઉપક્રમે માતૃપિતૃ વંદના સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સંતાનમાં એક જ દીકરી ધરાવતા પરિવારો સહીત સામાજિક સંસ્થાઓ અને પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
દીકરા-દીકરી એક સમાનની ઉકતીને ચરિતાર્થ કરવા અને સમાજમાં સ્ત્રી સશક્તિકરણને બળ આપવા તેમજ સમાજમાં થઈ રહેલા સારા કાર્યોને પ્રોત્સાહન આપવાના હેતુથી સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ તેમજ ઈન્ટરનેશનલ હયુમન રાઈટ્સ એસોશીએશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા તેમજ તેમની ટીમ દ્વારા મોરબી તાલુકાના શકત શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે રવિવારે માતૃપિતૃ વંદના સન્માન સમારોહ તેમજ વિશિષ્ટ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત જે પરિવારને સંતાનમાં ફક્ત એક જ દીકરી હોય અને તે પણ 15 વર્ષથી વધુ ઉંમરની હોય તેવા 99 પરિવારો, ધોરણ 12 સાયન્સમાં એ-1 ગ્રેડ પ્રાપ્ત કરનાર મોરબી જીલ્લાના 15 વિદ્યાર્થીઓ, મોરબી જીલ્લાના રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ એવોર્ડ પ્રાપ્ત કરનાર 12 શિક્ષકો, મોરબીમાં સેવાકીય ક્ષેત્રે કાર્યરત સેવાના ભેખધારી 47 વ્યક્તિઓ તેમજ સંસ્થાઓ, મોરબી જીલ્લાના સરપંચો અને લોકસેવાના પ્રહરી તેમજ લોકશાહીનો ચોથો સ્થંભ ગણાતા પત્રકારમિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે માતાપિતાનું એક માત્ર સંતાન અને તે પણ દીકરી એવા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુંમર, ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશીએશનના પ્રેસિડેન્ટ ડો. શેહનાઝબેન બાબી, રાજકોટ સ્થીત મધુરમ હોસ્પિટલના સૌરાષ્ટ્રના પ્રખ્યાત ન્યુરો સર્જન ડો. હેમાંગભાઈ વસાવડા, ખેડૂત અગ્રણી અને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા, ગુજરાત કિસાન સંગઠનના પ્રમુખ જે. કે. પટેલ, મોરબી સ્થિત કડવા પાટીદાર કન્યા કેણવણી મંડળ સંસ્થાના પ્રમુખ બેચરભાઈ હોથી તેમજ મોરબી સ્થીત દરેક સમાજના પ્રમુખો-અગ્રણીઓની હાજરીમાં તેમજ તેઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.



