BAPS બાળ બાલિકા પ્રવૃત્તિ દ્વારા વ્યસનમુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાનની પુર્ણાહુતી નિમિતે યોજાઈ હતી રેલી
મોરબી : હાલ વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. દિલ્હી અને ગાંધીનગર સ્થિત BAPS સ્વામિનારાયણ અક્ષરધામના રચયિતા પ્રમુખસ્વામી મહારાજનું સૂત્ર હતું કે, બીજાના ભલામાં આપણું ભલું છે. બીજાના સુખમાં આપણું સુખ છે. આ જ જીવનભાવના સાથે તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન 40 લાખથી વધુ લોકોને વ્યસન મુક્ત કર્યા હતા અને તેમની પ્રેરણાથી BAPS સંસ્થા દ્વારા દેશ-વિદેશમાં 15 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન થયું છે. વીજળી અને પાણીની બચત માટે તેઓએ પોતાના જીવન દ્વારા અનેકને પ્રેરણાઓ આપી છે ત્યારે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અને ભારતની આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે BAPS સ્વામિનારાયણ સંસ્થાની બાળ બાલિકા પ્રવૃત્તિ દ્વારા વ્યસનમુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાનનું આયોજન મે મહિનામાં કરવામાં આવ્યું હતું.
BAPS સંસ્થાના 16000 બાળકોના 4200 વૃંદ ઉનાળુ વેકેશનમાં વ્યસનમુક્તિ અભિયાનમાં જોડાયા હતા. ઘર, દુકાન, ઓફિસ, ફેક્ટરી, બસ સ્ટેશન જાહેર સ્થળો વગેરે જગ્યાએ ફરીને આ બાળકોએ 14 લાખ જેટલા લોકોનો વ્યક્તિગત સંપર્ક કર્યો હતો. દેશભરમાં યોજાયેલ અભિયાનમાં બાળકોએ વ્યસનથી થતા નુકસાનની વિગતવાર સમજૂતી લોકોને આપી હતી ત્યારે તારીખ ૮ મે થી ૨૨ મે દરમિયાન યોજાયેલ આ અભિયાનમાં બાળકોએ કરેલા વિનમ્ર પ્રયાસના પરિણામે દેશભરના ચાર લાખ વ્યક્તિઓએ આજીવન વ્યસનમુક્ત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉપરાંત જે વ્યક્તિઓ વ્યસન કરતા ન હતા તેઓએ અન્યને વ્યસનમુક્ત કરાવવાનો સંકલ્પ કર્યો હતો.

આ ઉપરાંત વ્યસનમુક્તિ અભિયાનની સમાંતર BAPS સંસ્થાની 14000 બાલિકાઓના 3300 વૃંદ દ્વારા સમગ્ર દેશમાં પ્રકૃતિ સંવર્ધન અભિયાન યોજાયુ હતું. દેશભરમાં યોજાયેલ અભિયાનમાં બાલિકાઓએ ઘરો ઘર જઈને 12 લાખ જેટલા લોકોને પાણી બચાવો, વીજળી બચાવો અને વૃક્ષો વાવોના ત્રણ મુખ્ય સંદેશો આપ્યા હતા. આ ત્રણેય સંદેશ માટે લોકો કેવા કેવા પગલાંઓ ભરી શકે તે માટે બાલિકાઓએ સૌને માર્ગદર્શન અને પ્રેરણાઓ આપી હતી. સતત 15 દિવસ ચાલેલા અભિયાનના પરિણામે દસ લાખ લોકો પાણી વીજળીના બચાવ માટે અને છ લાખ લોકો વૃક્ષોના વાવેતર અને જતન માટે કટિબદ્ધ થયા હતા. સાથો સાથ અન્યને પણ પ્રકૃતિ સંવર્ધનની પ્રેરણા આપવા માટેનો સૌએ સંકલ્પ કર્યો હતો.
આ રીતે બાલ બાલિકાઓએ કુલ 26 લાખ જેટલા લોકોનો સંપર્ક કરીને પ્રકૃતિ સંવર્ધન અભિયાન અને વ્યસનમુક્તિ અભિયાન દ્વારા સમાજ ઉત્કર્ષનું ભગીરથ કાર્ય કર્યંં હતું. આ અભિયાનના પરિણામે સમાજને તો લાભ થશે જ પરંતુ એ સાથે અભિયાનમાં જોડાયેલા બાળ બાલિકાઓને આજીવન વ્યસનમુક્ત રહેવાના અને વીજળી પાણી તથા વૃક્ષોનું સંવર્ધન કરવાના પાઠ શીખવા મળ્યા હતા. સેલ્ફ કોન્ફિડન્સ, કોમ્યુનિકેશન, લીડરશીપ, ટીમવર્ક વગેરે જેવી સુષુપ્ત શક્તિઓ આ બાળ-બાલિકાઓમાં અભિયાનના પરિણામે ખીલી હતી.
સમગ્ર ભારતના વિવિધ શહેરોમાં યોજાયેલ અભિયાન મોરબી શહેરમાં પણ યોજાયું હતું જેમાં કુલ 75 બાળકોએ અને 150 બાલિકાઓએ કુલ 9000 વ્યક્તિઓનો સંપર્ક કર્યો હતો. આ ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક વગેરે રાજ્યોમાં યોજાયેલ આ અભિયાન બાદ તારીખ ૩૧ મે ૨૦૨૨ના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ ના ઉપક્રમે સમગ્ર ભારતના વિવિધ શહેરો અને ગામડાઓમાં 100 જેટલી વિરાટ વ્યસનમુક્ત રેલીનું આયોજન થયું હતું.
મોરબીમાં પણ યોજાયેલ આ રેલીમાં 300 થી વધુ બાળકો અને 200 થી વધુ બાલિકાઓ જોડાઈ હતી તથા તેમના દ્વારા પ્રેરણાત્મક પ્રદર્શન, રચનાત્મક ફ્લોટસ, બાળકો અને બાલિકાઓ દ્વારા થતા સુત્રોચારોએ મોરબીવાસીઓને અનેરી પ્રેરણા આપી હતી. આ રેલીનો શુભારંભ સાંજે પાંચ વાગ્યે મોરબી સિવિલ હોસ્પિટલમાં આવેલ મેદાન ખાતે નિર્માણાધીન BAPS સ્વામિનારાયણ મંદિરના સંતો હરિસ્મરણ સ્વામી અને મંગલપ્રકાશ સ્વામીના નેતૃત્વ હેઠળ શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવોના હસ્તે થયો હતો જેમાં મોરબી સિવિલ હોસ્પિટલના RMO ડો. સરડવાએ વૈદિક પૂજનવિધિથી રેલીનો આરંભ કરાવ્યો હતો તેમજ સિવિલ હોસ્પિટલના મેદાનથી શરુ થયેલી રેલી બાપા સીતારામ ચોક, નવા બસ સ્ટેન્ડ થઈ મોરબી સિવિલ હોસ્પિટલના મેદાન પર વિરામ પામી હતી.
