મોરબી : મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલ રાજનગર મહાદેવ મંદિરની પાસેના પાણીના ટાંકામાંથી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમીને આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂની 87 બોટલ સાથે એક શખ્સને દબોચી લીધો હતો જયારે દારૂના આ વેપલામાં અન્ય એક ઈસમનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ ખાનગી બાતમીને આધારે મોરબીના પંચાસર રોડ પર રાજનગર મહાદેવના મંદીરની પાસેથી પ્લાસ્ટીકના પાણીના ટાંકામાંથી હેરાફેરી કરાતા વિદેશી દારૂના જથ્થા સાથે તુલશીભાઈ હસમુખભાઈ શંખેસરીયા (ઉં.વ. 32, રહે. પંચાસર રોડ, રાજનગર મહાદેવના મંદીરની પાસે, મોરબી) ને ઝડપી પાડીને મેકડોવેલ્સ નંબર વન વ્હીસ્કીની 12 બોટલ (કીં.રૂ. 4500) અને ઓલ સેસન્સ ગોલ્ડન વ્હીસ્કીની 75 બોટલ (કીં.રૂ. 45,000) મળી કુલ રૂ. 49,500 ની કિંમતની 87 બોટલ કબ્જે કરવામાં આવી હતી. આ ઉપરાંત તપાસ દરમિયાન હાર્દીક બાવાજીનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે અને બંને શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.