Wednesday, May 14, 2025

રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકામાં સિંહ વસ્તી અંદાજની કામગીરી

Advertisement
Advertisement
Advertisement

મોરબી: અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ જિલ્લા સહિત રાજ્યના ૧૧ જિલ્લાઓમાં તા.૧૦ થી ૧૩ મે-૨૦૨૫ દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી થઇ રહી છે.

ધારી ગીર પૂર્વ વન વિભાગ (રિજિયન) અંતર્ગત સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં રિજનલ અધિકારી, ઝોનલ અધિકારી, ગણતરીકારઓ, ઓબ્ઝર્વર સહિત ૫૧૧ સ્વંય સેવકઓ સહિતનાઓએ સિંહ વસ્તી અંદાજની કામગીરીમાં જોડાઇને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ આપવાનો ઉમદા પ્રયાસ કર્યો છે.

સિંહ વસ્તી અંદાજ માટે એશિયાટિક લાયન લેન્ડસ્કેપ મુજબ આશરે ૩૫,૦૦૦ ચો. કિ.મી. નો વિસ્તાર કવર કરવામાં રાજયના ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાઓના ૮ રિજિયન, ૩૨ ઝોન અને ૧૧૨ સબ ઝોનમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે.

૧૬મી સિંહ વસ્તી અંદાજ કામગીરી અન્વયે વન વિસ્તારમાં બીટ અને વન વિસ્તારની બહાર ૩-૧૦ ગામોનું જૂથ મુજબ કામગીરી હાથ ધરવામાં આવી છે. અવલોકન રેકોર્ડિંગ માટે ૨૪ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેમાં પ્રાથમિક અંદાજ અને આખરી અંદાજ કામગીરી કરવામાં આવી રહી છે.

ડેટા રેકોર્ડિંગ માટે સમય, જીપીએસ લોકેશન, ચિન્હો, ફોટા, મુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે, આ કામગીરીને લગતી જરુરી વિગતો પણ નોંધવામાં આવી રહી છે. જી.આઈ.એસ અને સ્ટેસ્ટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રિકરણ, સંકલન, નિષ્કર્ષણ, આલેખન કરવામાં આવી રહ્યુ છે. અંતે ડેટા વિશ્લેષણ બાદ સિંહની વસ્તીનો આખરી અંદાજ અહેવાલ તૈયાર થશે.

ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. ગુજરાતમાં સૌપ્રથમ વર્ષ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. ૧૬મી સિંહ વસ્તી ગણતરી અંદાજ માટે મોડર્ન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ‘ડાયરેક્ટ બીટ વેરિફિકેશન’ ખૂબ ઉપયોગી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ ૧૦૦ ટકા ચોકસાઈ મળે છે તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ રહેતો નથી. ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તાર, રેવન્યુ વિસ્તારમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે.

૧૬મી સિંહ વસ્તી અંદાજ – ૨૦૨૫ કામગીરી અન્વયે ૮ રિજિયનમાં રિજનલ અધિકારી, ઝોનલ અધિકારી, સબ ઝોનલ અધિકારી, ગણતરીકાર, મદદનીશ ગણતરીકાર, ઓબ્ઝર્વર, સ્વંય સેવકો સહિત અંદાજે ૨,૯૦૦ થી વધુ માનવબળ ફરજ બજાવે છે. 

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં તેમજ વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા સિંહ સંરક્ષણના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે તેના પરિણામે રાજ્યમાં સિંહ સંવર્ધનને લીધે સિંહ વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ-૧૯૯૫માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને ૩૦૪ જેટલા સિંહ, વર્ષ-૨૦૦૧માં ૩૨૭, વર્ષ-૨૦૦૫માં ૩૫૯, વર્ષ-૨૦૧૦માં ૪૧૧, વર્ષ-૨૦૧૫માં ૫૨૩ અને છેલ્લે વર્ષ-૨૦૨૦માં ૬૭૪ જેટલા સિંહોની વસ્તી નોંધાઇ હતી.

Related Articles

Total Website visit

1,504,160

TRENDING NOW