મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ રદ્દ થવા મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સામાજિક સંસ્થાઓ, સેવાભાવી સંગઠનો તેમજ જયસુખભાઈ પટેલ જેવા ઉધોગપતિઓ સહિત અનેક નામી અનામી લોકો દ્વારા સરકારને રજુઆત કરવામાં આવી રહી છે અને ધીમે ધીમે લોકોમાં આ બાબતે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીમાં થનાર સરકારી મેડિકલ કોલેજને બદલે પ્રાઈવેટ મેડિકલ કોલેજ કરવાના સરકારના નિર્ણય સામે જુદી જુદી સંસ્થાઓ તેમજ રાજકીય પાર્ટીઓ લડત ચલાવી રહી છે. તેમાં પણ કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે જેથી મોરબીના હિતમાં મોરબીના હક્કની લડાઈ ગાંધી ચિંધ્યા માર્ગે લડીને મોરબીને સરકારી મેડિકલ કોલેજનો હક્ક પાછો અપાવવાની લડાઈમાં આમ જનતાને જોડાવવા ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી અને કોંગ્રેસ અગ્રણી કાંતિલાલ બાવરવાએ અપીલ કરી છે.