ટંકારા : ટંકારાથી ઘુનડા ગામ વચ્ચે બનતા નવાં રોડના કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદે માટીનું ખનન કરવામાં આવતું હોવાની લોકજાગૃતિ મંચના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિજયભાઈ કુંભરવાડીયા દ્વારા મુખ્યમંત્રી, ખાણખનીજ વિભાગ અને કલેકટરને રજૂઆત કરવામાં આવી છે પણ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
ટંકારાથી ઘુનડા ગામને જોડતો રસ્તો બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તે દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર ત્યાં માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે તેમ છતાં પણ જવાબદાર અધિકારી દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલા લેવામાં આવી રહ્યા નથી જેથી લોક જાગૃતિ મંચ દ્વારા આ મુદ્દે ગત તા. 10 મે ના રોજ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
લોકજાગૃતિ મંચના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિજયભાઈ કુંભરવાડીયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરીને જણાવ્યું છે કે, ટંકારાથી ઘુનડા ગામને જોડતો રસ્તો બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં બેદરકારી રાખવામાં આવી રહી છે અને નબળી કક્ષાનો રોડ બનાવવામાં આવી રહ્યો છે આટલું જ નહીં ધુનડા ગામ પાસે આવેલ રાતીધાર વિસ્તારમાંથી માટીનું ખનન કોઈ પણ પ્રકારની મંજૂર વગર કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને રોડની બંને સાઈડમાં તે માટી નાખવામાં આવી રહી છે.
આ અંગે સરપંચ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી ત્યારે સરપંચે જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારની મંજૂરી માટીનું ખોદકામ કરવા માટે આપવામાં આવી નથી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને નબળી કક્ષાનું કામ કરવામાં આવી રહ્યું છે તો પણ સ્થાનિક અધિકારી આ કામગીરી સામે આંખ આડા કાન કરી રહ્યા હોય ખાણ ખનીજ વિભાગના અધિકારી તેમજ જવાબદાર બાંધકામ વિભાગના અધિકારીઓની સામે અને બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી માંગણી સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે જોકે આગામી દિવસોમાં સરકાર દ્વારા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની સામે પગલાં લેવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.
