મોરબી : ગત વર્ષે વિશિપરામાં થયેલ ફારૂક મોટલાણીની હત્યાના આરોપીઓ હાલમાં મોરબી સબ જેલમાં સજા કાપી રહ્યાં છે ત્યારે આ આરોપીઓએ જેલ સ્ટાફ સાથે માથાકૂટ કરીને કર્મચારીનો શર્ટ ફાડી નાખ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. હાલમાં રજીયાબેન ફારૂકભાઈ મોટલાણીએ જીલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી આ ઘટના અંગે તટસ્થ તપાસ કરીને ગુન્હો દાખલ કરવા માંગ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ચકચારી હત્યા કેસમાં સબ જેલમાં રહેલા આરોપીઓએ જેલ સ્ટાફ સાથે માથાકૂટ કરી હતી જેમાં જેલમાં રહેલા આરોપીઓને મળવા તેમના સગાઓ આવ્યા હતા જોકે મુલાકાત ન હોવાથી જેલના સ્ટાફે ના પાડી હતી જેથી હત્યાના આરોપીઓએ ધમાલ મચાવી હતી અને ગેરવર્તન ચાલુ કર્યું હતું જેમાં આરોપીઓએ પોતાના માથા દીવાલમાં અથડાવવાનું ચાલુ કરતા જેલ સ્ટાફે અટકાવવા પ્રયત્ન કર્યો હતો ત્યારે પોલીસ પર હુમલાની કોશિશ કરાઈ હતી અને આ ઝપાઝપીમાં જેલ સ્ટાફના કપડા ફાડી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે જોકે આ બનાવ મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી જેથી આ બનાવમાં તટસ્થ તપાસ કરીને ગુન્હો દાખલ કરવા રજીયાબેન દ્વારા મોરબી એસપીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.