અમીતજી વિંધાણી, હળવદ : રાજ્ય સરકાર દ્વારા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 12 ભણે ત્યાં સુધી એક બાળક દીઠ 48,000 રૂપિયા શિષ્યવૃત્તિ આપીને રાજ્યની શાળાઓમાં ડ્રોપ આઉટ દર ઘટે અને તેજસ્વી બાળક આગળ અભ્યાસ કરી શકે એ હેતુથી NMMS પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે ત્યારે હળવદની સરકારી શાળા નંબર-4ના ચાર વિદ્યાર્થીઓ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ-8 ના વિદ્યાર્થીઓ માટે લેવાતી NMMS પરીક્ષાના મેરિટમાં સ્થાન પામ્યા છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા NMMS પરીક્ષાનું આયોજન ગત તા. 17 એપ્રિલના રોજ કરવામાં આવ્યું હતું જે પરીક્ષાનું તા. 10 જૂનના રોજ પરિણામ જાહેર થતા પરીક્ષામાં હળવદના મોરબી દરવાજા બહાર આવેલી સરકારી શાળા નંબર 4 ના વિદ્યાર્થી દલવાડી વિકાસ નિલેશભાઈએ 180 માંથી 133 માર્કસ મેળવીને હળવદ તાલુકામાં બીજું અને મોરબી જિલ્લામાં 5 મુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું જયારે જયદેવ એસ. ચાવડા, વિવેક દિનેશભાઇ ચાવડા અને પાર્થ એસ. સોનગ્રા મેરિટમાં સ્થાન પામ્યા હતા. આ ચારેય બાળકોની મળીને કુલ રૂ. 1,92,000 શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે જે બાળકોના સીધાં જ બેંક ખાતામાં જમા થશે. આ તકે શાળાના આચાર્ય રાજેશભાઈ જાકાસણીયાએ ચારેય બાળકો અને માર્ગદર્શન આપનાર શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી.