શર્માફળીનું બંધ વોટર સ્ટેન્ડ ત્રણ માસથી બુંદ જળને શોધવા તરસી રહ્યું છે.
હળવદ : સમગ્ર દેશ અને રાજ્યમાં સરકાર દ્વારા જન સામાન્ય સુધી પીવાના શુદ્ધ જળ પહોંચાડવાની મહત્વકાંક્ષી યોજના ચાલી રહી છે ત્યારે હળવદ નગરપાલીકા તંત્રના અડધડ વહિવટ કે લાપરવાહીના કારણે શહેરમાં આવેલ શર્માફળીના જાહેર વોટર સ્ટેન્ડમાં છેલ્લા ત્રણ માસથી પાણીનું એક બુંદ પણ નહીં ટપકતા આ સ્ટેન્ડમાંથી પીવાનું પાણી ભરતા આશરે એક સો પરીવારો કાળઝાળ ઉનાળામાં બેહાલ બન્યા છે.
1970 ની સાલમાં સ્થાનિક દાતા સ્વ. છોટાલાલ વ્યાસ અને સ્વ. માણેકલાલ રાવલના આર્થીક સહયોગથી બનાવેલ આ જાહેર વોટર સ્ટેન્ડ તેમના પરીવાર દ્વારા લોકોને પાણી મળી રહે તે હેતુથી સમયાંતરે બે વાર જીર્ણોધ્ધાર પામી ચુક્યુ છે પરંતુ સમયે-સમયે તંત્ર પાણી પહોંચાડવા નિષ્ફળ નીવડતું આવ્યું છે ત્યારે ફરી એકવાર તંત્ર આ વોટર સ્ટેન્ડમાં પાણી પહોંચાડવામાં છેલ્લા ત્રણ માસથી નિષ્ફળ નિવડયુ છે.
ત્રણ માસ પહેલા નિયમિત સવાર-સાંજ આ સ્ટેન્ડમાં પાણી આવતું હતું જે અચાનક જ બંધ થઈ જતા આ અંગે પત્રકાર જીજ્ઞેશ રાવલે સંબંધિત કર્મચારીઓ તેમજ પાલિકા પ્રમુખ રમેશ પટેલને મૌખીક રજુઆત કરી હતી ત્યારે આ અંગે સંબંધીતોએ યોગ્ય કરવાની ખાત્રી આપી હોવા છતા ત્રણ માસથી પાણીનું એક બુંદ પણ આજ દિન સુધી પહોંચ્યું નથી ત્યારે આ જ લાઈનમાં શર્માફળી પહેલા મામાના ચોરે આવેલ વોટર સ્ટેન્ડમાં નિયમિત પાણી આવે છે તે અચરજ પમાડે છે.
અંદાજે ત્રણ સો મિટરના અંતરમાં આવેલ સ્ટેન્ડમાં એકમાં પાણી આવે અને એકમાં ન આવે ત્યારે વચ્ચે શું તકલીફ છે તે શોધી તકલીફ દુર કરવામાં તંત્ર નિષ્ફળ ગયુ છે ત્યારે આ વિસ્તારના લોકોને સત્વરે પાણી મળે તેવી લોકમાંગ ઉઠી છે.