Friday, May 2, 2025

મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા મળી : મોટી મોટી કરવામાં માહીર સભ્યો પ્રજાના કામો કરવામાં નિષ્ફળ

Advertisement
Advertisement
Advertisement

4 વર્ષથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી : 19 પ્રાથમિક શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ પર

પશુઓમાં થતો રોગચાળો અટકાવવા માટેની રસીકરણનો અભાવ : વિરોધ પક્ષે સતા પક્ષને ઘેરવા પ્રયાસ કર્યો

મોરબી જીલ્લા પંચાયત કચેરી ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓ પરાગ ભગદેવના અધ્યક્ષસ્થાને આજે સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ વિકાસલક્ષી એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી તો વિપક્ષોએ તળાવો ઊંડા ઉતારવા અને સિંચાઈના મુદે બઘડાટી બોલાવી હતી જયારે ગત સભાને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાત પંચાયત અધિનિયમ 1993 અંતર્ગત બિન ખેતી થયેલ જમીન પર લેવામાં આવતા દર દરેક તાલુકામાં એકસમાન રાખવાના ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી તેમજ સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટમાં મંજુર થયેલ કામોની મુદત વધારવાની મંજુરી આપવામાં આવી હતી

મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં અગાઉની અપેક્ષા મુજબ સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, પશુપાલન અને આઈસીડીએસ સહિતના અલગ અલગ પ્રશ્નોને લઈ વિરોધ પક્ષે સતા પક્ષને ઘેરવા પ્રયાસ કર્યો હતો અને જીલ્લામાં છેલ્લા ચાર વર્ષથી 334 જેટલા ચેકડેમ રીપેર કરવા અને તળાવ ઉંડા કરવા સહિત નાની સિંચાઈના કામ બાકી હોવાથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું ન હોવાનો પ્રશ્ન વિપક્ષી સભ્ય ભૂપતભાઈ ગોધાણીએ ઉઠાવ્યો હતો. આ ઉપરાંત આરોગ્ય બાબતમાં પણ રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયતના હોદેદારોની આણ આવડતથી પીએચસી-સીએચસી મેડીકલ ઓફિસરની જગ્યા ખાલી છે તેમજ જિલ્લા પંચાયતમાં આઉટ સોર્સથી કામ કરતા કર્મચારીઓનું પણ મોટા પાયે શોષણ થતું હોય છે જેની અસર કામગીરીમાં થતી હોય છે જેથી જીલ્લા પંચાયતમાં કામ કરતા કર્મચારીઓને પગારમાં થતું શોષણ અટકાવવા પણ સરકારમાં રજૂઆત કરવા મોરબી જીલ્લા પંચાયતના કોંગી સભ્યોએ માંગણી કરી હતી.

સામાન્ય સભામાં પશુઓના રોગચાળાને અટકાવવા માટે થતા રસીકરણના અભાવ સહિતના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી અને ઠીકરિયાળા ગામે તળાવની પાળ બાંધવાના કામમાં વિલંબ થશે તો ખેડૂતોની જમીન ધોવાશે અને જો આવું થશે તો વિપક્ષના જિલ્લા પંચાયત સદસ્ય નવઘણભાઈ મેઘાણી દ્વારા આત્મવિલોપન કરવાની ચીમકી આપવામાં આવી હતી તેમજ ખેડૂતોને પ્લાસ્ટિકના ડ્રમ આપવાની સરકાર દ્વારા જે યોજના બહાર પાડવામાં આવી છે તેમાં યોજના ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાંથી 31788 અરજીઓ મળેલ છે જેમાંથી આ યોજનાનો લાભ મેળવવા પાત્ર 31684 માંથી આજ સુધી એક પણ ખેડૂતને આ યોજનાનો લાભ મળ્યો નથી તેવો પણ આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોરબી જીલ્લાની 19 પ્રાથમિક શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવતા હોય જોકે જીલ્લામાં 521 શિક્ષકોની જરૂર હોય જેના કારણે બાળકોના અભ્યાસમાં અસર પડી છે જેથી વહેલી તકે શિક્ષકોની ભરતી કરવા પણ સામાન્ય સભામાં માંગ ઉઠાવવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ,મોરબી જીલ્લામાં તત્કાલીન કાર્યપાલક ઈજનેર સી ડી કાનાણીના સમયમાં નાની સિંચાઈ યોજનામાં કૌભાંડ થયું હતું જેથી સામાન્ય સભામાં આરોગ્ય સમિતિના ચેરમેને કોંગ્રેસના શાસનમાં કૌભાંડ થયું હતું જેનું પરિણામ ખેડૂતો ભોગવે છે તેવો આક્ષેપ કરતા કોગ્રેસના સભ્યોએ જણાવ્યું હતું કે, તમે જે કૌભાડમાં ધારાસભ્ય પરસોતમ સાબરીયા સામે આક્ષેપ કર્યા અને દોઢથી બે મહિના જેલમાં રાખ્યા હતા જો તેઓ કૌભાંડમાં સંડોવાયેલ હતા તો તેમને જેલમાં નાખી દેવા જોઈતા હતા, તમે તો ભાજપમાં લાવી ટીકીટ આપીને પાછા ધારાસભ્ય બનાવી દીધા તેમજ ભૂતકાળમાં જિલ્લા પંચાયતના અધિકારીઓ અને ભાજપના કાર્યકરો સહીતનાએ સાથે મળી કૌભાંડ કર્યા અને ખેડૂતો છેલ્લા ચાર વર્ષથી ભોગવી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,502,634

TRENDING NOW