મોરબી : સમગ્ર ગુજરાતના ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) અનેક પડતર માંગણીઓને લઈને હડતાળ પર છે અને ગત તા. 10 મે ના રોજ વિકાસ કમિશ્નર દ્વારા જૂના VCE ના ઠરાવ રદ કરી નવા VCE ની નિમણુંક કરવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે ત્યારે વિકાસ કમિશ્નરનો આ પરિપત્ર ગેરબંધારણીય હોવાની રજૂઆત સાથે મોરબી જીલ્લા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં જણાવાયું છે કે, VCE તા. 11-5-2022 થી હડતાલ ઉપર છે. આ હડતાલ VCE ના હક માટેની હોય તેમાં બધા VCE જોડાયેલા છે. આ બાબતે વિકાસ કમિશ્નરના તા. 10-5-2022 ના પત્ર અન્વયે WE ના કરાર/ઠરાવ રદ કરી નવા VCE ની નિમણૂંક કરવા માટે પત્ર જાહેર કરવામાં આવેલ છે જેના અનુસંધાને મોરબી, હળવદ અને વાંકાનેર TDO દ્વારા તેઓના તાલુકાના ગામના VCE ને છૂટા કરી નવા VCE ની નિમણુંક કરવા પત્ર જાહેર કરવામાં આવેલ છે. આ અંગે જણાવવાનું કે આ કેટલું યોગ્ય છે ? શું પોતાનો હક્ક માગવો કોઈ અપરાધ છે ? VCE દ્વારા હડતાલ બાબતે તા. 09-05-2022 ના રોજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પણ આપેલ છે અને પછી હડતાળમાં જોડાયા છે. VCE હડતાલમાં હોય છતાં પણ તેમને કામગીરી કરવા સતત દબાણ કરવામાં આવી રહ્યું છે અને VCE દ્વારા હડતાળમાં જોડાયલ હોવાથી કામગીરી કરવાની ના પાડવામાં આવતો છૂટા કરવાનો પત્ર જાહેર કરવામાં આવેલ છે. આ પત્ર કાયદાની વિરુદ્ધ અને ગેરબંધારણીય છે. ગુજરાત રાજ્ય VCE મંડળ VCE ની વ્યાજબી લડત આપતું હોય તેને દબાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે.
આ ઉપરાંત જણાવાયું છે કે, VCE દ્વારા કરવામાં આવેલ જુદી જુદી યોજનાની કામગીરીનું મહેનતાણું હજુ સુધી મળેલ નથી જ્યાં સુધી આ પુરૂ મહેનતાણું VCE ને ચુકવવામાં આવે નહીં ત્યાં સુધી છુટા કરવામાં નો આવે. VCE એ કરેલ કામગીરીનું પુરૂ મહેનતાણું મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવા અપીલ કરી છે. વિકાસ કમિશ્નરના તા. 10-05-2022 ના પત્ર અનુસંધાને આપ દ્વારા કરાર / ઠરાવ રદ કરી નવા VCE ની નિમણૂક કરવાનો ગેરબંધારણીય અને કાયદા વિરુદ્ધનો પત્ર પાછો લેવામાં આવે અને VCE દ્વારા આપને જે સાથ સહકાર આપવામાં આવેલ છે તે ધ્યાને લઈને યોગ્ય નિર્ણય કરવામાં આવે જો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો VCE ના હિત માટે નાછૂટકે કાયદાકીય લડત આપવાની ફરજ પડશે અને ગાંઘી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.