Friday, May 2, 2025

મોરબીમાં માલધારી સમાજ માટે માલધારી વસાહતની જગ્યા ફાળવવાની માંગ

Advertisement
Advertisement
Advertisement

વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક દેવેન રબારીની મુખ્યમંત્રીને રજુઆત

મોરબી : રાજયના શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ કાયદો અમલી બનાવવા સરકાર દ્વારા જાહેર કરાયું છે ત્યારે આ કાયદાને કારણે માત્રને માત્ર પશુપાલનનો વ્યવસાય કરી જીવન નિર્વાહ કરતા પરિવારો ઉપર આફત આવી શકે તેવી શકયતા છે સાથે જ અતિ આવશ્યક ચીજ વસ્તુમાં સમાવિષ્ટ દૂધ ઉત્પાદનમાં પણ અસર પડે તેમ હોવાની સાથે નવા કાયદાને કારણે માલધારી સમાજને નાહકનું કાયદાની આટીઘૂંટીમાં સપડાવું પડે તેવી સ્થિતિ અત્યારથી જોવા મળી રહી હોય મોરબી શહેરમાં વસવાટ કરતા માલધારી પરિવારો માટે માલધારી વસાહતની જગ્યા ફાળવવાની માંગ ઉઠી છે.

મોરબીના વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક દેવેન રબારીએ મુખ્યમંત્રીને રજુઆત કરતા જણાવ્યું હતું કે, ઢોર નિયંત્રણ કાયદો પૂર્ણ રૂપથી અમલમાં આવે તે પૂર્વે જ મોરબી શહેર નજીક માલધારી વસાહત નિર્માણ કરી શહેરીજનો અને બહોળા માલધારી સમાજના હિતમાં નિર્ણય કરવા માંગણી છે જેમાં મોરબીમાં હાલમાં ૩૦૦૦ થી વધુ ભરવાડ, રબારી, ચારણ, આહીર સહિતના પરિવારો રબારીવાસ, વાવડી રોડ, વજેપર, કાલિકા પ્લોટ, વી.સી.પરા, વાંકાનેર દરવાજા, લીલાપર રોડ સહિતના અનેક વિસ્તારોમાં વસવાટ કરી રહ્યાં છે. અંદાજે મોરબી શહેરમાં ૨૫ હજાર થી ૩૦ હજાર જેટલા દુધાળા પશુઓ રાખી પશુપાલન થકી જીવન નિર્વાહ કરી રહ્યાં છે પરંતુ સરકારના નવા કાયદાને કારણે શહેરમાં વસવાટ કરતા સર્વે માલધારી સમાજની રોજી-રોટી અને પરંપરાગત વ્યવસાય ઉપર પ્રશ્નાર્થ ઉભો થવાની શકયતા છે.

બીજુ કે આજના આધુનિક સમયમાં પણ અમારો માલધારી સમાજ પરંપરાગત પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલો હોવાથી અને અક્ષરજ્ઞાનનો અભાવ હોવાની સાથે જૂની પેઢીના વ્યાવસાયિકો કાયદાથી અજ્ઞાન છે. આ સંજોગોમાં મોરબી શહેરમાં વસવાટ કરતા અંદાજે ૩ હજાર જેટલા માલધારી સમાજના લોકોના હિતમાં સરકાર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી સત્વરે શહેરની નજીકના સ્થળે જયાં પશુ નિભાવ માટે યોગ્ય જલસ્રોત હોય તેવા સ્થળની પસંદગી કરી માલધારી સમાજના લોકોની તેમજ શહેરી વિસ્તારના લોકોને સ્પર્શતા પશુઓના પ્રશ્નોનું નિરાકરણ કરવા માંગ કરી છે. આ ઉપરાંત ખાસ કરીને મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દૂધ ઉત્પાદક મંડળી તેમજ ગોપાલક મંડળીઓને કોઇપણ કારણોસર મંજુરી આપવામાં આવતી ન હોય વિશાળ માલધારી સમાજના હિતમાં ઉપરોકત બાબતોનો વહેલી તકે નિર્ણય લઇ માલધારી સમાજની માંગણીઓ સ્વીકારવા અંતમાં જણાવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,631

TRENDING NOW