હળવદની જુની મામલતદાર કચેરીમાં વર્ષ 2006 ની સાલમાં નાયબ મામલતદાર, 2 ક્લાર્ક તેમજ અન્ય ત્રણ શખ્સો દારૂની મહેફિલ માણતા હતા તે દરમિયાન જનતા રેડમાં તમામ નબીરાઓ ઝડપાઈ ગયા હતા ત્યારબાદ પોલીસે તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી. આ કેસ હળવદ કોર્ટમાં ચાલ્યો હતો અને ગઈકાલે તા. 14 જૂનના રોજ હળવદના જ્યુડી. મેજીસ્ટ્રેટ ડો. લક્ષ્મી નંદવાણાની કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા 8 મૌખિક તથા 9 દસ્તાવેજી પુરાવાઓને તથા સરકારી વકીલ એ. પી. માલવણિયાની દલીલોને ધ્યાને લઈને તત્કાલીન હળવદ મામલતદાર કચેરીના ક્લાર્ક અને હાલ મોરબી ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ધીરુભાઈ હરજીભાઈ સોનગ્રાને ત્રણ માસની સાદી કેદની સજા અને બે હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં અગાઉ આરોપી વી.એસ.ખાંટ (તત્કાલીન નાયબ મામલતદાર અને હાલ નિવૃત) તથા કે. બી. પાટડીયા (તત્કાલીન ક્લાર્ક) ને પણ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી. હાલ આ કેસમાં આરોપી ધીરુભાઈ સોનગ્રાએ ઉપલી કોર્ટમાં અરજી કરવા સજા પર સ્ટેની માંગણી કરી હતી જેથી કોર્ટે પણ તેમની માંગણી ગાહ્ય રાખી છે.





