Friday, May 9, 2025

ચીફ ઓફિસર આકરા પાણીએ : મોરબી શહેરમાં આડેધડ સ્પીડબ્રેકરો ખડકી દેનાર એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ્દ !

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખડકી દેવામાં આવેલા 300 થી વધુ પ્લાસ્ટીકના સ્પીડબ્રેકરો વાહનચાલકો માટે માથાનો દુખાવો બની રહ્યા હોય લોકોમાં સ્પીડબ્રેકર બાબતે અનેક ફરિયાદો ઉઠવા પામી છે. મોરબી શહેરમાં ખડકી દેવાયેલા આડેધડ બમ્પ પેટે રૂપિયા 45 લાખ જેવી માતબર રકમ ચૂકવી દેવામાં આવી છે જો કે વધુ 25 લાખનું પેમેન્ટ નવા ચીફ ઓફીસરે રોકી દીધું છે.

મોરબી શહેરના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા પાંચ મહિનામાં પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા ચીફ ઓફિસર, કાઉન્સિલર કે પોલીસ સાથેના કોઈ પણ જાતના પરામર્શ વગર જ ઠેકઠેકાણે પ્લાસ્ટિકના બમ્પ જીકી દેવામાં આવતા લોકોને સાયકલ કે વાહન લઈને નીકળવું મુશ્કેલ બન્યું છે. આ મામલે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જીણવટ ભરી તપાસ કરવામાં આવતા ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે અને પોલીસ કે ચીફ ઓફિસરને જાણ કર્યા વગર જ આડેધડ સ્પીડ બ્રેકર નાખવા મામલે ચીફ ઓફિસર દ્વારા 25 લાખ રૂપિયાનું પેમેન્ટ પણ અટકાવી દેવામાં આવ્યું છે અને એજન્સીનો કોન્ટ્રાકટ રદ્દ કરી નાખવામાં આવ્યો છે.

મોરબી શહેરની શેરીઓ અને ગલીઓમાં છેલ્લા કેટલાક મહિનાથી આડેધડ બમ્પ નાખવામાં આવી રહ્યા હતા. કેટલીક શેરીઓમાં તો 500 મીટરના અંતરે પાંચથી વધુ બમ્પ ખડકી દેવામાં આવ્યા હતા. મોરબીના દરબાર ગઢથી નેહરૂગેટ ચોક વચ્ચે અગાઉથી અનેક ડામરના બમ્પ બનાવાયા હોવા છતાં પ્લાસ્ટિકના સ્પીડબ્રેકર ખડકી દેવામાં આવ્યા હતા અને આ સ્પીડબ્રેકરો પણ હલકી ગુણવત્તાના હોવાથી ઘણા બધા વિસ્તારમાં તુટવા લાગ્યા હતા.

મોરબી શહેરના નગરસેવકો અને અધિકારી સાથે સ્પીડબ્રેકર લગાવવા અંગે કોઈ પણ પ્રકારના વિચારવિમર્શ કર્યા વિના આડેધડ બમ્પ ખડકી દેવા અંગેની ફરિયાદ ઉઠી હતી જે બાદ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ચોંકાવનારા ખુલાસા થયા હતા જેમાં આજથી 5 વર્ષ પહેલા બનાસકાંઠાની હિતેષ ત્રિવેદી નામની પેઢીને ઓફલાઈન ટેન્ડર આપવામાં આવ્યું હતું જોકે તે બાદ આગળ કોઈ કાર્યવાહી ન થતા તેણે ડિપોઝીટ પરત લેવા અરજી કરી હતી જોકે પાલિકા દ્વારા 2020 માં રૂ. 5 લાખની કિંમતની મર્યાદામાં સ્પીડબ્રેકર ફિટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને તત્કાલીન ચીફ ઓફિસરે કામગીરી શરૂ કરાવી હતી. જોકે આ એજન્સીએ ટ્રાફિક પોલીસ, પાલિકાના ઈજનેર કે ટેકનિકલ ટીમને સાથે રાખ્યા વિના કે તેના કોઈ પણ પ્રકારના માર્ગદર્શન વિના આડેધડ બમ્પ ખડકી દીધા હતા અને અલગ અલગ સમયે રૂ. 10 લાખ, રૂ. 14 લાખ તેમજ રૂ. 17 લાખ એમ કુલ રૂ. 41 લાખની કિંમતના બિલ મૂકી દીધા હતા અને આ બિલનું ચુકવણું પણ કરી દેવાયુ હતું. આ ચુકવણી થયેલ બીલમાં એજન્સીએ ક્યાં ક્યાં બમ્પ મુક્યા તે અંગે તપાસ કરાવી હતી તેમજ એજન્સીને નોટિસ આપી તેને ક્યાં ક્યાં કેટલા બમ્પ ફિટ કર્યા તે અંગે જીપીએસ લોકેશન સાથેની માહિતી સાથે ખુલાસો માંગ્યો હતો જોકે એજન્સીએ કોઈ ખુલાસો કર્યો ન હતો તેમજ બીજા બે બિલ મૂકી દીધા હતા જે બિલ પણ અટકાવી દેવામાં આવ્યા છે અને એજન્સીનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવ્યો હતો.

સ્પીડબ્રેકરની એજન્સીને ઓફલાઈન ટેન્ડર અપાયું હતું અને તે અંગે સામાન્ય સભામાં પણ કોઈ ઠરાવ સામે આવ્યો નથી. આ ઉપરાંત એજન્સીએ પાલિકાની સાથે કન્સલ્ટેશન કર્યા વિના કે ટ્રાફિક બ્રાન્ચને જાણ કર્યા વિના બમ્પ લગાવેલ હોવાથી પાલિકા કાઉન્સીલર દ્વારા જ્યાં જ્યાં પણ બમ્પ લાગેલ છે તેના ફોટોગ્રાફ અને લોકેશન સાથે ખુલાસો આપવા સૂચના આપવામાં આવી છે કે કેમ તે વગેરે બાબતોનો ખુલાસો કરવા જણાવ્યું છે અને એજન્સીના હાલ 2 બિલ અટકાવી દેવામાં આવ્યા છે અને જ્યાં સુધી યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી બિલ અટકાવાશે તેમ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ જણાવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,820

TRENDING NOW