50 થી વધુ રક્તદાતાઓનું મહાનુભાવોના હસ્તે કરાયું સન્માન
મોરબી : સેવાકાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ખરા સમયે રક્તદાન કરનાર દાતાઓનું સન્માન સમારોહનું આયોજન મોરબીના સ્કાય મોલ ખાતે કરવામાં આવ્યું હતું.
આજે કોઈ પણ વસ્તુ ટેક્નોલોજીની મદદથી મશીન દ્વારા બની શકે છે પરંતુ લોહી એક જ એવું છે કે જે માણસના શરીરમાં કુદરતી રીતે બને છે અને જેની જરૂરિયાત આકસ્મિક જ પડે છે ત્યારે આવી જરૂરિયાતને પુરી પાડવા માટે અને લોકોને ઉપયોગી થવા માટે છેલ્લાં 2 વર્ષથી યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા “લોહીમાં છે માનવતા” નામની મુહિમ થકી રક્તદાન પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યારે આ પ્રવૃત્તિમાં મહત્વનું યોગદાન આપનાર રકતદાતાઓના સન્માન સમારોહનો કાર્યક્રમ મોરબીના સ્કાય મોલ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં 50 થી વધુ રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં પણ વધારેમાં વધારે લોકો આ મુહિમમાં જોડાય તે માટે યંગ ઈન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારી દ્વારા અપીલ કરવામાં આવી હતી
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.સોલંકી, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી ગરચર, ક્લોક એસો. પ્રમુખ શશાંક દંગી, વિદ્યાભારતીના અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા અને સેવાભાવી અંબારામભાઈ કવાડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા એન્કર શૈલેષભાઈ રાવલે કર્યું હતું.


