વાંકાનેર વિસ્તારમાં આવેલ ઈન્ડઝ કંપનીના મોબાઈલ ટાવરમાંથી બેટરીના 48 સેલની ત્રણ શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી જેથી આ બનાવ મામલે કર્મચારીની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના લાલપર ગામે રહેતા અશોકભાઈ પાલજીભાઈ રાઠોડની દેખરેખ હેઠળ વાંકાનેર તાલુકાના તિથવા ગામ ખાતે આવેલ ઈન્ડઝ કંપનીના ટાવર આઈ.ડી. નં. 1281863 માંથી અમરારાજા કંપનીના બેટરી બેકઅપના 24 સેલ (કીં.રૂ. 24,000) તથા કોટડા નાયાણી ટાવર આઇ.ડી. નં. 1279414 વાળા ટાવરમાંથી અમરારાજા કંપનીના બેટરી બેકઅપના 24 સેલ (કીં.રૂ. 24,000) મળી બંને ટાવરમાંથી કુલ 48 સેલ (કીં.રૂ. 48,000) ની ચોરી આરોપી પ્રકાશ ખીમસુરીયા, કિરણ મકવાણા અને લાલજી ઉર્ફે અમીત ચૌહાણએ કરી હતી જેથી આ બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ત્રણ આરોપીઓ સામે ઈ.પી.કો. કલમ-૩૭૯, ૧૧૪ મુજબ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.