મોરબી સરસ્વતી શીશુમંદિરની વ્યવસ્થાપક ટીમ દ્વારા ધોરણ 1 થી 3 માં અંગ્રેજી વિષય શરુ કરવાના સરકારના દુર્ભાગ્યપૂર્ણ નિર્ણયમાં ફેરવિચારણા કરવા મોરબી જીલ્લા કલેકટર જે.બી. પટેલ અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી. એમ. સોલંકીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ તકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જીલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ રજૂઆતમાં જણાવાયું છે કે, પ્રાચીન ભારતનો ઈતિહાસ વૈભવ અને ગૌરવપૂર્ણ રહ્યો છે. પ્રાચીન સમયમાં શિક્ષણનું નેતૃત્વ સમગ્ર વિશ્વમાં ભારતનું હતું. જ્ઞાન પ્રાપ્તિ માટે વિશ્વના વિદ્યાર્થીઓ ભારતીય વિદ્યાપીઠોમાં સંસ્કૃત ભાષાનાં માધ્યમથી બધા જ વિષયોનું અધ્યયન કરતાં હતા. અનેક વિધર્મી આક્રમણો વચ્ચે ભારત અડીખમ રહ્યું અને આર્થિક લૂંટ, હત્યાઓ, અત્યાયારો, ધાર્મિક સ્થાનો પર કુઠરાધાત વચ્ચે પણ ભારતની સંસ્કૃતિ, સંસ્કારો, ખાન-પાન, રીત-રિવાજો, ભાષા, જીવનશૈલી અક્ષુન્ન રહ્યા છે. અંતિમ શાસન કરનાર અંગ્રેજોએ આ બધુ જોઈ આપણને બદલાવવા માટે આપણી શિક્ષણ વ્યવસ્થા બદલી હતી અને માલીકોના બદલે નોકર (નોકરી) ની પ્રતિષ્ઠા વધી અંગ્રેજી ભાષાને મહત્વ આપીને આપણને હિનતાબોધ કરાવવાનો પ્રયત્ન ચાલે છે.
આ ઉપરાંત, દેશનાં ઘણા બધા સાંસ્કૃતિક સંગઠનો, સામાજિક સેવાકીય તથા આધ્યાત્મિક સંસ્થાનો આપણી સંસ્કૃતિ માટે કામ કરે છે અને કેન્દ્રમાં , ગુજરાતમાં તથા અનેક રાજ્યોમાં રાષ્ટ્રીય વિચારધારાને વરેલા પક્ષની સરકાર છે ત્યારે શિક્ષણમંત્રી પાસે ગુજરાતના શિક્ષણ જગતને વિશેષ અપેક્ષા હોય તે સ્વાભાવિક છે પરંતુ હાલમાં ગુજરાત સરકારે ધોરણ એક તથા બે માં અંગ્રેજી વિષય મૌખિક તથા ધોરણ ત્રણથી આ વિષય અન્ય વિષયની જેમ જ ભણાવાશે તેવો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ માનીને શા માટે દુર્ભાગ્યપૂર્ણ છે તેની વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે અને શાસ્ત્રીય તથા વૈજ્ઞાનિક તથ્યો આપીને આ નિર્ણય માટે ફેર વિચારણા કરવાની માંગ કરવામાં આવી છે.
