મોરબી : મોરબી નજીક આવેલા લાલપર ગામમાં આગની દુર્ઘટનામાં એક ગાય અને ત્રણ વાછરડી આગની લપેટમાં આવી ગયા હતા જેમાંથી એક વાછરડીનું મૃત્યુ થયું હતું અને એક ગાય તથા બે વાછરડીને 1962 પશુ હેલ્પલાઇન ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપી જીવનદાન આપવામાં આવ્યું હતું.
મોરબીના લાલપર મુકામે ભરવાડવાસમાં અચાનક એકાએક આગ લાગી હતી. આ આગની દુર્ઘટનાનો ભોગ પશુઓ બન્યા હતા ત્યારે તે જગ્યાએથી પસાર થતી ખીલખીલાટ એમ્બ્યુલન્સ સેવાના સ્ટાફ દ્વારા 1962 હેલ્પલાઈન નંબર પર કોલ કરતા પશુ હેલ્પલાઈન ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગની દુર્ઘટનામાં એક વાછરડીનું મૃત્યુ થયું હતું તેમજ એક ગાય અને બે વાછરડી ઘવાયેલી હાલતમાં હતા. તેઓને પશુ હેલ્પલાઇન ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી જેથી ત્રણ ગૌમાતાઓના જીવ સારવારથી બચી ગયા હતા. આમ, 1962 હેલ્પલાઈનમાં ફરજ બજાવતા ડો. વિપુલભાઈ કાનાણી અને ડ્રાઈવર પ્રવિણસિંહ વાઘેલા દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી.
