Friday, May 2, 2025

મોરબીના સરસ્વતી શીશુમંદિર ખાતે પૂર્વ છાત્ર સંમેલન યોજાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબીના સરસ્વતી શીશુમંદિરમાંથી ભણીને ગયેલા વિદ્યાર્થીઓનું સંમેલન ગત તા. 23 એપ્રિલના રોજ યોજાયું હતું જે કાર્યક્રમની શરૂઆત સરસ્વતી માતાના પૂજન અને વંદન દ્વારા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેસિયાએ કહ્યું હતું કે, પૂર્વ છાત્ર એ વિદ્યાલયની મૂડી છે અને તમે આગળ જતાં આ વિદ્યાલય માટે તમે શું યોગદાન આપી શકો એનો વિચાર કરી સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી એવું જીવન જીવજો. અન્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત એમ. એમ. સાયન્સ કોલેજના પ્રાધ્યાપક રણજીતભાઇ કાલરીયાએ માતૃશક્તિને બિરદાવી પૂર્વ છાત્રની શિશુમંદિર પ્રત્યેની લાગણી જોઈ અભિભૂત થયા હતા અને કહ્યું હતું કે, આ પ્રકારના શિશુમંદિરો ભવિષ્યમાં રાષ્ટ્રનું નિર્માણ કરશે અને વિશ્વમાં સુખ શાંતિની સ્થાપના કરશે.

આ તકે વિદ્યાભારતી પશ્ચિમ ક્ષેત્રના ઉપાધ્યક્ષ બાબુભાઈ અઘારા, પૂર્વ વ્યવસ્થાપક જયેશભાઈ દવે, વિદ્યાલયના મુખ્ય વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટીયા, પ્રધાનાચાર્ય કુંદનબેન ચારોલા, વિદ્યાલયના નિયામક સુનીલભાઈ પરમાર તેમજ અન્ય વ્યવસ્થાપકો અને તમામ વિભાગના પ્રધાનાચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ છાત્રોના કાર્યક્રમમાં એક વિદ્યાર્થીએ પોતાના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે, અમારી બધી જ પેઢીઓ આ શિશુમંદિરમાં ભણશે અને તેઓ માતૃભાષામાં શિક્ષણ લીધા પછી પણ સાતથી આઠ દેશોમાં પણ અંગ્રેજીમાં વાતચીત કરતાં કરતાં પોતાના નૃત્ય ક્લાસીસ ચલાવે છે. આ શિશુમંદિર મજબૂત ચારિત્ર્યનું ઘડતર કરે છે તેમ કહ્યું હતું.

વિદ્યાર્થીઓએ બાળપણમાં સહજ રીતે ભણેલ આધ્યાત્મિક સોપાનોને ખૂબ યાદ કર્યા અને વ્યવસાયમાં એ આધ્યાત્મને કારણે આગળ છે તેમ જણાવ્યું હતું. ડોક્ટર, એન્જીનીયર, ફિલ્મમેકર, ઉદ્યોગપતિ સહિતના પૂર્વ છાત્રોએ ઉપસ્થિત રહી વિદ્યાલય અને ગુરુજનો પ્રત્યેનું ઋણ વ્યક્ત કર્યું હતું અને કેટલાક પૂર્વ આચાર્ય પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ આચાર્યો આજે જે ક્ષેત્રમાં આગળ છે એમાં શિશુમંદિરના ઘડતરનો સિંહફાળો છે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં 200 પૂર્વ છાત્રો અને આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ પોતાના પ્રાથમિક શિક્ષણને વાગોળી રાસ ગરબા લીધા તથા ભોજન કરી ફરી આ જ રીતે મળવાના સંકલ્પ સાથે જુદા પડ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,695

TRENDING NOW