ગુજરાતના ચાર શહીદ પરિવારોને એક-એક લાખની સહાય અર્પણ
મોરબી : મોરબીના ખોખરા હનુમાન ખાતે આયોજિત રામ કથામાં આજે ચોથા દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સેવા કાર્યોમાં અગ્રેસર અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા ગુજરાતના ચાર શહીદ પરિવારોને એક-એક લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી.
મોરબીના ખોખરા હનુમાન ખાતે ચાલતી રામ કથામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મહામંડલેશ્વર કનકેશ્વરી દેવી, ભાજપના રાષ્ટ્રીય સચિવ કૈલાશ વિજયવર્ગીયના હસ્તે તેમજ ભારતભરના અગ્રગણ્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં અજય લોરીયા દ્વારા ગુજરાતના શહીદ પરિવારના પરિવારજનોને માન સન્માન સાથે સ્ટેજ પર લાવી સન્માન કરી દરેક શહીદ પરિવારને એક-એક લાખના ચેક અર્પણ કર્યા હતા. આ તકે મુખ્યમંત્રી, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તેમજ સાધુ સંતોએ અજયભાઈના આ સેવા કાર્યને બિરદાવીને આશીર્વાદ આપ્યા હતા.


