અમદાવાદ: રાજ્યમાં થોડા દિવસના ચોમાસા બાદ ફરી ઉનાળો શરૂ થઈ ગયો હોય તેમ ધમધોકાર તડકો પડી રહ્યો છે તેમાં પણ ખાસ કરીને અમદાવાદીઓ આકરા તાપમાં તપી રહ્યા છે. ઉનાળામાં જેટલી જરૂરિયાત એસીની પડે છે તેટલી જ વધારે પાણીની પણ પડે છે પરંતુ આકરા તાપથી જમીનના તળ સુકવી નાખ્યા છે અને જળાશયો પણ સુકાયા છે ત્યારે અમદાવાદનું પહેલા નંબરનું ગણાતું આકરૂ ગામ પાણી માટે તરસ્યું બન્યું છે.
આકરૂ ગામે પાંચ પાંચ દિવસે પાણી આવતું હોવાની સ્થાનિકોમાં ફરિયાદો ઉઠી છે. પાણીની અછત થી ગ્રામજનો વલખા મારી રહ્યા છે ત્યારે સ્થાનિકોમાં ભારે રોષ ઉઠ્યો છે. જેથી જો પાણીની સમસ્યા હલ નહીં થાય તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા આશરે 4500 ની વસ્તી ધરાવતું આકરું ગામ માટે પીવાના પાણીની ગંભીર સમસ્યામાં ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
