મોરબીમાં ઘરેલુ ઝગડાના સમાધાન કેસમાં ભેગા થયેલા બે પરિવારો વચ્ચે મારામારી થતાં અને જોઈ લેવાની ધમકી આપતા મામલો સમાધાનનાં બદલે પોલીસ સ્ટેશને પહોંચતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબીના એસપી રોડ ઉપર આવેલ શ્રીહરી ટાવરના બ્લોક નં. બી/03, યદુનંદન-4 માં રહેતા શિલ્પાબેન હિતેષભાઇ વિલપરા પટેલ (ઉ.40) એ ધીરજલાલ વલ્લભભાઇ વાધરીયા, રેખાબેન ધીરજલાલ વાધરીયા અને ભાવીકાબેન નલીનભાઇ (રહે. બધા જુનાગઢ) તેમજ તેમની સાથેના અજાણ્યા પાંચ માણસો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેના ભાઈ-ભાભીને છેલ્લા અઢી વર્ષથી અણબનાવ છે અને તેના ભાભી હાલ જુનાગઢ તેના માતા-પિતા સાથે રહે છે જે ભાભી ગઈકાલે તેના માતા-પિતા સાથે ફરિયાદી મહિલાના ભાઈ નલીનભાઇનું ઘર મોરબીની રવાપર ચોકડી પાસે સંગમ રેસીડેન્સી-સી ફલેટ નં. 602 માં આવેલ છે તે ઘેર તેના ઘરેણા તથા દિકરાનું જન્મ પ્રમાણપત્ર લેવા માટે આવેલ હતા જો કે, ફરિયાદીના ભાઈએ ઉમીયા સમાધાનપંચમાં ફરીયાદ આપેલ હતી જેથી પંચના પ્રમુખ તથા અન્ય વડીલો ફરિયાદીના ભાઈના ઘરે આવ્યા હતા.
આ દરમિયાન આરોપી ધીરજલાલ વલ્લભભાઈ વાધરીયા, રેખાબેન ધીરજલાલ વાઘરિયા, રાધિકાબેન નલીનભાઈ અને અજાણ્યા પાંચ માણસો સહિતનાએ શિલ્પાબેનના બહેનને તમારે કઈ બોલવાનું થતું નથી તેમ કહી ગેરશબ્દો બોલી ગાળો આપી ઝપાઝપી કરી છુટા હાથે મારામારી કરી તેમજ ગળાના ભાગે નખથી વિખોરીયા ભરી ઈજા કરી સાહેદ રાધિકાબેન ફરિયાદી શિલ્પાબેનને છોડાવવા વચ્ચે પડતા છુટા હાથે માર મારી ઈજા કરી ફરિયાદી શિલ્પાબેનના બહેન તથા સાહેદ નલીનભાઈને કહેલ કે ફરી આવીશું અને તેમો બધાને જોઈ લેશું તેવી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. આ ઘટના અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે શિલ્પાબેન વિલપરાની ફરિયાદને આધારે નણંદ ભાવિકાબેન અને વેવાઈવેલા એવા તેમના માતા પિતા સહિત અજાણ્યા પાંચ માણસો વિરુદ્ધ ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.