૩૧ મી મે ના રોજ સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાનાર કાર્યક્રમમાં ૨૫૦૦ થી વધુ લોકો જનકલ્યાણની યોજનાઓનો હિસ્સો બનશે
મોરબી : મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષસ્થાને ૩૧મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ-સંવાદ કાર્યક્રમની સમાંતર યોજાનાર જિલ્લા કક્ષાના કાર્યક્રમની પૂર્વ તૈયારી અંગેની સમીક્ષા બેઠક જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ૩૧મી મે એ યોજાનાર વડાપ્રધાનના કાર્યક્રમની સાથે મોરબીમાં પણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે જે કાર્યક્રમની પૂર્વ તૈયારીની સમીક્ષા અર્થે યોજાયેલી બેઠકમાં કલેકટરે વિવિધ વિભાગો પાસેથી સંલગ્ન વિગતો મેળવી હતી. કલેકટરે આ તકે વિવિધ યોજનાઓના વધુને વધુ લાભાર્થીઓ આ કાર્યક્રમનો હિસ્સો બની શકે તેમજ લાભાર્થીઓ મહાનુભાવો સાથે સીધો સંવાદ કરી શકે તેવી સુચારૂ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક મીતાબેન જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, વાંકાનેર પ્રાંત અધિકારી શેરસીયા, જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, ડીવાયએસપી એમ.આઇ. પઠાણ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડાના અધ્યક્ષસ્થાને પટેલ સમાજવાડી, રાજપર રોડ, શકત શનાળા ખાતે યોજાનાર છે જેમાં ૨૫૦૦ થી વધુ લાભાર્થીઓ જનકલ્યાણની આ યોજનાઓનો હિસ્સો બનશે.
