Wednesday, August 12, 2026

ચારણ મહાત્મા ભકત કવિ ઈશરદાસજી બારહટની ૫૬૭મી જન્મ જયંતી અવસરે “હરિરસ આચમન”સંકલન : પ્રા.હરદેવદાન કે. ગઢવી (આસી. પ્રોફેસર, ગવર્મેન્ટ આર્ટસ-કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ માળીયા)

Advertisement
Advertisement
Advertisement

ચારણ મહાત્મા ભકત કવિ ઈશરદાસજી બારહટની ૫૬૭મી જન્મ જયંતી અવસરે “હરિરસ આચમન”
સંકલન : પ્રા.હરદેવદાન કે. ગઢવી (આસી. પ્રોફેસર, ગવર્મેન્ટ આર્ટસ-કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ માળીયા)
ચારણોની ગૌરવમય પરંપરાગનુ ઉજળુ અનુસંધાન એટલે ચારણોમા આર્વીભુત શકિત-ભક્તિ અને શૂરવીરતાની યશોજ્જવલ કુળ પરંપરા. આદિકાળથી આઈ પરંપરા- શાક્ત પરંપરાના ઉપાસક ચારણોએ માઁ શારદાની એકનિષ્ઠ સાધના કરી સરસ્વતીપુત્રો- દેવીપુત્રો તરીકે જગતમાં પોતાની વિશિષ્ટ છાપ ઉભી કરી છે. તો સાથો સાથ ભારતીય વૈદિકધારાને આત્મસાત કરીને પોતાની વિરલવાણીના પ્રભાવથી ભક્તિ પરંપરાને ગૌરવાવિન્ત કરી છે. આઈ પરંપરાની સાથે ચારણોમા ભકત કવિ પરંપરા પણ નિરંતર ચાલતી રહી છે. ચારણી સાહિત્યના આદિકવિ ઈશરદાસજી બારહટ, સાયાંજી ઝુલા, હરદાસજી મિસણ, નરહરદાસજી બારહટ, લાંગીદાસજી મહેડુ, અને પદ્મશ્રી દુલા કાગ વગેરે ચારણ ભકત કવિ પરંપરાનુ ઉજળુ અનુસંધાન છે.
મધ્યકાલીન ભક્તિ પરંપરામા એક જુદી જ ભાત ધરાવતા અને પોતાની અનન્ય ભક્તિ રચનાઓ દ્વારા જનસમાજના હૈયા સુધી પહોચનારા તથા “ઈશરા સો પરમેશ્વરા” નુ બિરુદ પામનારા ચારણ મહાત્મા ભકત કવિ ઈશરદાસજી બારહટ ચારણી ભકત પરંપરામા ગૌરવમય સ્થાન ધરાવે છે. ચારણી સંસ્કારો અને સંસ્કૃતિનો ગૌરવમય સમન્વય એટલે ઈશરદાસજી બારહટ..

કવિઓ તો કંઇક થયા, જેની વ્રેહ્મંડ પહોચી વાત;
પણ એક ઈશરથી ઉજળી જગમા ચારણ જાત;
વિ.સં. ૧૫૧૫ શ્રાવણ સુદ-૨ ના રોજ રાજસ્થાનના બાડમેર પરંગણાના ભાદ્રેશ ખાતે જન્મ અને વિ.સં. ૧૬૨૨ ચૈત્ર સુદ નવમીના દિવસે સૌરાષ્ટ્રના જામનગર પાસેના સચાણા ખાતે સદેહે સમૃદ્રગમન કરી શ્રી દ્વારકાધિશને હાથો હાથ હરિરસ ગ્રંથ અર્પણ કરી પોતાનો અનન્ય ભક્તિભાવ પ્રગટ કરનારા પુ.ઈશરદાસજી બારહટ મધ્યકાલીન ભક્તિ પરંપરાના એક સમર્થ ચારણ ભકત કવિ તરીકે જનસમાજમા વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
હરિરસ અને દેવીયાંણ જેવા ભક્તિમુલક ગ્રંથોના રચયતા કે જેમના આ ગ્રંથો ભાગવત પરંપરા અને શાક્ત પરંપરા- ભક્તિ પરંપરાનો ધરોહ કરાવી, અમિના ઓડકાર કરાવવા માટે સક્ષમ છે. પુ. ઈશરદાસજી નો હરિરસ ગ્રંથ એટલે આપણી વૈદિક ભાગવત્ ભક્તિ ના નિગુઢ તત્વો કે જ્યા વેદો પણ નેતિ.. નેતિ.. કહીને અટકી જાય છે. એવા પ્રેમ લક્ષણા, ગુણનિંદા, અને ભક્તિના નિગુઢ રહસ્યોને ભકત કવિ ઈશરદાસજી બારહટે હરિરસમા એટલા સહજ અને સરળ ભાવો સાથે નિરુપિત કર્યા છે. કે જેને સામાન્ય માનવી પણ સરળતા સમજી અને માણી શકે. શ્રી મદ્ ભાગવતના ગહન અને નિગુઢ ભક્તિ ભાવોનુ સહજ અને પ્રભાવક અનુસંધાન એટલે હરિરસ…
હરિ સ્મરણ, ભક્ત પરાયણતા વિષયક મધ્યકાળે અનેક કવિઓની રચનાઓ મળે છે. પરંતુ શ્રી મદ્ ભાગવતના ગહન ભાવોને પોતાની અવિરલ વાણી સાધના થકી જેટલી પ્રભાવક અને બળકટ બાનીમા ઈશરદાસજીએ હરિરસમા ચરિતાર્થ કરી છે. એટલી ભાગ્યેજ કોઈ મધ્યકાલીન ભકત કવિ કરી શક્યા છે. રામનામનો મહિમા કરતા ઈશરદાસજી કહે છે..
એળેંહી હરિ નામ, જાણ અજાણ જપે જો જીવ્હા; શાસ્ત્ર વેદ પુરાણ, સર્વ મહી તત અક્ષર સાર;
(વેદ ,પુરાણ, ઉપનિષદ વગેરે ધર્મશાસ્ત્રોનો સાર હરિનામ સ્મરણ માત્રમા જ રહેલો છે.) અને આ જગતમા શ્રી હરિના નામ થી મોટુ કોઇ તત્વ કે સત્વ છે જ નહી..
ગો કોટિદાનં ગ્રહણેચ કાશી, મકરે પ્રયાગેડ્યુત કલ્પ વાસી,
યજ્ઞેચ મેરૂ સમ હેમદાનં, નહિ તુલ્ય ગોવિંદ નામ સમાનં;
મહા યોગીઓ, મુનિશ્વરો, અને વેદો પણ શ્રી હરિના અનંત ચરિત્રને નથી પામી શક્યા તો હું ઈશરદાસજી આપના વિલક્ષણ ચરિત્રને કઇ રીતે આલેખી શકુ? તેવો ચારણ સહજ ભાવે નિખાલસ પણે સ્વીકારતા ઈશરદાસજી કહે છે..
તોરાં હું પુરાં તવી, શકાં કેમ સમરાથ;
ચતુર્ભુજ સહ થારાં ચરિત, નિગમ ન જાણે નાથ;
માનવ જાત અથાગ પરિશ્રમ થકી સર્વસ્વની પ્રાપ્તિ કરી શકે છે. આમ છતા અંત સમયે તો મુક્તિ ખાતર હરિ સ્મરણ જ જરૂરી બની રહે છે. અને જીવ માત્રને છેલ્લે શ્રી હરિ પાસે જ જવાનું રહે છે.અંતે તો એક માત્ર શ્રી હરિનુ ચરણ જ સુખદ સરનામુ છે. શ્રી મદ્ ભાગવતના આ ગુઢ રહસ્યને સહજતાથી સમજાવતા ઈશરદાસજી કહે છે..
નારાયણ હું તુજ નમો, ઈણ કારણ હરિ આજ; જીણ દિન આ જગ છંડણો તીણ દિન તોસુ કાજ;
ચોર્યાસીના ફેરા દરમિયાન સૌથી ઉત્તમ આ મનુષ્ય અવતારને ગણવામા આવ્યો છે. એક માત્ર આ માનવ અવતારમા શ્રી હરિનુ સ્મરણ કરી આવાગમન ક્રમને ટાળી શકાય તેવો સુલભ આ મનુષ્ય અવતાર મળ્યો છે. ત્યારે સૌ પ્રથમ તો પ્રભુ ભક્તિને પ્રાધાન્ય આપી આ મનખો સાર્થક કરવો જોઇએ ઈશરદાસજી કહે છે..
આ અવસર નહી આવશે, ઈશર આખે એહ;
પ્રણલે હરિરસ પ્રાણીયા, જન્મ સફળ કર જેહ;
જ્યા સુધી આ શ્વાસોસ્વાસની ક્રિયા ચાલુ છે ત્યા સુધીમાં હરિનામ સ્મરણ કરી લે. કારણ કે એક વાર આ શ્વાસ અટક્યા પછી લાખો પ્રયાસો કરવા છતા રામનામનુ સ્મરણ નહી કરી શકાય. ઈશરદાસજી કહે છે..
રામનામ રસણા રટે, વાસર વેર અવેર;
અટક્યા પછી ન આવશી, રામતણી મુખ રેર;
ઈશરદાસજી કહે છે આપણા શાસ્ત્રો, વેદો,પુરાણો, ઉપનિષદો વગેરે કહે છે તેમ મનુષ્ય જીવનનુ એકમાત્ર સત્ય મુક્તિ છે. આવાગમન માંથી મુક્તિ મેળવવાનો એક માત્ર માર્ગ હરિ સ્મરણ- પ્રભુ ભક્તિ છે. અને ભક્તિ કરવા માટે આ મનુષ્ય દેહ અતિ ઉતમ છે . અને જેમ અનાજ વિના તૃપ્તિનો અહેસાસ અશક્ય છે. તેમ હરિ ભક્તિ વિના મુક્તિ પણ અશક્ય છે.
કલ્પ વેદ શાસો કથે, સિધ સાધક સહ કોય;
અનવિણ તૃપતિ ન ઉપજે, હરિવિણ મુક્તિ ન હોય;

સંકલન: પ્રા.હરદેવદાન કે. ગઢવી, આસિ. પ્રોફેસર, ગવર્મેન્ટ આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ માળીયા

Related Articles

Total Website visit

1,625,023

TRENDING NOW