રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300 જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે. સંસ્થાને કોઈ કાયમી ભંડોળ નથી કે કોઈ નિયમીત આવકનું સાધન નથી, સંસ્થા સંપૂર્ણપણે દાતાઓના શ્રીદાન પર નિર્ભર છે. પ્રવર્તમાન મોંઘવારીના સ્થિતિના હિસાબે, ગૌ સેવા–જીવદયા પ્રવૃતિઓનો નિર્વાહ કરવો ખુબ મુશ્કેલ બન્યો છે.
કિશાન ગૌશાળા દ્વારા ગાય આધારીત પ્રાકૃતિક ખેતી માટે ગૌમૂત્ર, જુની પડતર છાશ, જીવામૃત, ઘનજીવામૃત વિગેરે રાહત ભાવે બનાવી આપવામાં આવે છે તેમજ કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અભિયાન ચલાવવામાં આવે છે જેમા ખેડૂતોને ફળાઉ વૃક્ષો, દેશી વૃક્ષો વાવવા તેમજ ઔષધીય વૃક્ષો વાવવા અને શાકભાજી વાવવા તથા ડ્રીપથી પાણી આપવા માટે પાણી બચત થાય તે માટે ખેતરના શેઢે ખેત તલાવડી કરવા સહિતની ઓર્ગેનીક ખેતી માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી માટેનું કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા એક મોડલ ફાર્મ પણ થોરાળા ગામ ખાતે તૈયાર કરવામાં આવેલ છે જેમાં કોઈપણ ખેડૂત જો રૂબરૂ મુલાકાત લ્યે તો પ્રાકૃતિક ખેતી શું છે અને કેવી રીતે થઈ શકે તે જાણી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે, રાજકોટ ખાતે કિશાન ગૌશાળાનાં ચંદ્રેશભાઈ પટેલ દ્વારા હિન્દુ ધર્મમાં વર્ષ દરમ્યાન આવતા ધાર્મિક પ્રસંગો રામનવમી, શિવરાત્રી, હનુમાન જયંતી દરમ્યાન કિશાન ગૌશાળામાં ‘કામધેનુ ગૌ યજ્ઞ’ , ગૌ પૂજનનો કાર્યક્રમ વૈદિક મંત્રોથી કરવામાં આવે છે સાથમાં જ ભજન, કિર્તન, પ્રવચન, હવન, ‘કામધેનુ ગૌ યજ્ઞ’, ગૌ પૂજનમાં આવનાર તમામ ભાવિક ભકતો માટે ભોજન-પ્રસાદ-ફળાહારની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ દિવ્ય અનુષ્ઠાન ગૌસંસ્કૃતિ ઉજાગર કરવા માટે કરવામાં આવે છે. રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે આવેલ ‘કિશાન ગૌશાળા’, અંગેની વિશેષ માહિતી માટે ચંદ્રેશભાઈ પટેલ (મો.નં. ૯૭૨૫૨ ૧૯૭૬૧) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
