Friday, May 2, 2025

અનુસૂચિત જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણના દ્વારે પહોંચાડતી સરકારની અનેકવિધ શિષ્યવૃત્તિ સહાય

Advertisement
Advertisement
Advertisement

અનુસૂચિત જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણના દ્વારે પહોંચાડતી સરકારની અનેકવિધ શિષ્યવૃત્તિ સહાય

નારી વંદન ઉત્સવ – દીકરીઓના શિક્ષણ માટે અનેક શિષ્યવૃત્તિ યોજનાઓના માધ્યમથી સહાય પહોંચાડીને અને પ્રોત્સાહન આપીને આગળ વધારતી રાજ્ય સરકાર

“નેશનલ મેરીટ કમ મીન્સ સ્કોલરશીપ યોજનાને લીધે હું મારા આગળના ભણતર માટે નિશ્ચિંત થઈ ગઈ”

“ધોરણ ૯ થી ૧૨ના અભ્યાસ દરમ્યાન દર વર્ષે ૧૨ હજાર લેખે કુલ રૂ.૪૮,૦૦૦ની સહાય મળી છે.”- દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાભાર્થી માજીદુન વજીગુડા

રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ થકી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના નાગરિકોનો આર્થિક, સામાજિક તેમજ શૈક્ષણિક વિકાસ થાય તે માટે સતત પ્રતિબદ્ધ છે. અનુસૂચિત જાતિ માટે ખાસ યોજનાઓ ઉપરાંત અન્ય યોજનાઓના પણ તેમની યોગ્ય ભાગીદારી સુનિશ્ચિત થાય તે માટે સરકાર ચિંતિત છે. રાજ્ય સરકાર રાજ્યની તેમજ કેન્દ્રની વિવિધ યોજનાઓના સફળ અને અસરકારક અમલીકરણ વડે અનુસૂચિત જનજાતિના વિકાસ માટે ઉદાહરણરૂપ કાર્ય કરી રહી છે. તેના પુરાવારૂપે દરિયાકાંઠાના છેવાડાના ગણાતા તેવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વિદ્યાર્થીની માજીદુનની વાત જાણીએ.

દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુર તાલુકાના વતની લાભાર્થી વિદ્યાર્થીની વજીગુડા માજીદુન ઇનુસભાઈ હાલ સરકારી વાણિજ્ય કોલેજમાં પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તેઓ પોતાનો સ્વાનુભવ કહેતા જણાવે છે કે, ‘અમે માતા પિતા સાથે ૮ ભાઈ બહેનો છીએ, પિતા નોકરી કરતાં જે રીટાયર થયાં છે, અને ભાઈ બહેનોમાં હું સૌથી નાની છું. ધોરણ ૮ દરમ્યાન સરકારી કન્યા શાળા કલ્યાણપુર ખાતે અભ્યાસ દરમ્યાન આ યોજના વિષે જણકારી મળતા પરીક્ષા આપેલી. પરીક્ષામાં પાસ થયે મને સ્કોલરશીપ મળવાની શરૂ થઈ. આ પરિક્ષામાં સિલેક્ટ થતાં હું મારા આગળના ભણતર માટે નિશ્ચિંત થઈ ગઈ. આર્થિક આધાર મળતાં ભણવામાં પણ વધુ આત્મવિશ્વાસ સાથે જોડાઈ અને હાલ કોલેજમાં ઉત્સાહપૂર્વક અભ્યાસ કરી રહી છું.’

કલ્યાણપુરના ઇન્દીરા આવાસ- પોલીસ લાઈન પાસેના વિસ્તારમાં સહપરિવાર રહેતા વિદ્યાર્થીની માજીદુને સરકારનો આભાર માનતાં કહ્યું હતું કે, આ યોજના અમારા પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. મને ધોરણ ૯ થી ૧૨ના અભ્યાસ દરમ્યાન દર વર્ષે ૧૨ હજાર લેખે કુલ રૂ.૪૮,૦૦૦ની સહાય મળી છે. આ યોજના મારા અને મારા જેવા આદિજાતિ વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી યોજના છે, આ યોજના માત્ર આર્થિક સહાય નહિ, આર્થિક સધિયારા રૂપ નીવડે છે. હું અને મારા જેવા આદિજાતિ વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિઓનો લાભ આપી આગળ વધારવા માટે અમે સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.

નબળી આર્થીક પરિસ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને તેઓ ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ કરી શકે તે માટે તે માટે આર્થિક સહાય આપવા નેશનલ મેરીટ કમ મીન્સ સ્કોલરશીપ યોજના સરકારશ્રી દ્વારા અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ દર વર્ષે ૧૨ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. દેશભરમાં દર વર્ષે ૧ લાખ નવા વિદ્યાર્થીઓને આ સહાય આપવામાં આવે છે. ધોરણ ૮ માં ઓછમાં ઓછા ૫૫ ટકા માર્ક મેળવેલ હોય તેવા નવોદય અને કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ નિવાસી શાળાઓના વિદ્યાર્થીઓ સિવાયના સરકારી અને સરકાર અનુદાનિત શાળાઓના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને ધોરણ ૮ ની ટકાવારીને આધારે પાત્રતામાં ૫% છુટછાટ આપવામાં આવે છે.

પાત્ર તેજસ્વી વિદ્યાર્થીઓનું મેરીટ લિસ્ટ તૈયાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એન.એમ.એમ.એસ. સ્કોલરશીપ પરિક્ષા લેવામાં આવે છે. વિદ્યાર્થીઓ ધોરણ ૮ના તબક્કે આ પરિક્ષા આપી શકે છે. મેટ (Mental Ability Test) અને સેટ (Scholastic Aptitude Test) માં ઓછામાં ઓછા ૪૦ ટકા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે પાત્ર ઠેરવવામાં આવે છે. અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પાત્રતાની ટકાવારી ૩૨% રાખવામાં આવી છે.

શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓને આગળની શિષ્યવૃત્તિ મેળવવા માટે દસમાં ધોરણમાંં ૬૦% માર્ક્સ લાવવા ફરજિયાત હોય છે, તેમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને ૫% છુટછાટ આપવામાં આવે છે. વધુમાં આગળનો લાભ મેળવવા માટે પ્રથમ પ્રયાસે ધોરણ ૧૦ અને ૧૨ પાસ કરવા જરૂરી છે. આ યોજનાનો લાભ ડી.બી.ટી. દ્વારા સીધો બેંક ખાતામાં આપવામાં આવે છે.

આમ, માજીદુન બહેન જેવાં અનુસૂચિત જનજાતિના અનેક તેજસ્વી છાત્રોને માધ્યમિક શિક્ષણ માટે પ્રેરીને ઉચ્ચ શિક્ષણના દ્વારે પહોંચાડવા માટે સરકારની બહુવિધ શિષ્યવૃત્તિ સહાય અસરકારક માધ્યમ સાબિત થઈ રહી છે.

Related Articles

Total Website visit

1,502,706

TRENDING NOW