લદ્દાખમાં ચીની સૈનિકો સાથે નિઃશસ્ત્ર ભરવાડોની અથડામણ, બખ્તરબંધ વાહનો પર પથ્થરમારો.
લેહ-લદ્દાખના દુર્ગમ પર્વતીય વિસ્તારમાં ચીની સેનાના નાપાક ઈરાદાઓ ફરી એક વખત સામે આવ્યા છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈનિકોએ ભારતીય ઢોર ચરાવનારાઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ભારતીય ઢોર ચરાવનારાઓએ હિંમત બતાવી હતી ચીની સેનાના સૈનિકો સાથે ઝઘડી પડ્યા હતા અને પથ્થરમારો કર્યો હતો. ચીની સેનાના જવાનો અને ભારતીયો વચ્ચે અથડામણનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
ચીની સૈનિક હથિયારથી લેસ હતા જ્યારે લદ્દાખના સ્થાનિક લોકો ખાલી હાથે હતા તેમ છતાં ભારતીયોએ ચીની સૈનિકોનો જોરદાર વિરોધ કર્યો હતો અને તેમને ત્યાથી ભગાડી મુક્યા હતા. ચુશૂલના કાઉન્સલર કૉનચોક સ્ટેજિને સોશિયલ મીડિયા પર અથડામણનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ચીની સૈનિક ભારતીય ઢોર ચરાવનારાઓને રોકતા જોવા મળી રહ્યાં છે પરંતુ આ દરમિયાન ઢોર ચરાવનારા તેમની સાથે ઝઘડો કરતા જોવા મળે છે અને ત્યાથી પરત જવાનો ઇનકાર કરતા જોવા મળે છે.
જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયાની ઘટના હોવાનો દાવો
સૂત્રો અનુસાર, ચીની સૈનિકો અને પૂર્વ લદ્દાખના સ્થાનિક લોકો વચ્ચેનો વિવાદ જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયાનો હોવાનું કહેવામાં આવે છે. વીડિયોમાં ચીની સૈનિક આખો ઘટનાક્રમને રેકોર્ડ કરતા પણ જોવા મળે છે. સાથે જ તે ભરવાડોને પરત જવા માટે પણ કહી રહ્યાં છે. વીડિયોમાં ચીની સૈનિકોની બુલેટપ્રૂફ ગાડી પણ જોઇ શકાય છે. આ પહેલીવાર નથી જ્યારે ચીન દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી હોય. આ પહેલા પણ ચીન દ્વારા લદ્દાખ ક્ષેત્રમાં આવી ગતિવિધિઓ કરવામાં આવી ચુકી છે.





