જામનગરના દોઢીયા ગામ પાસેથી પોલીસે ડીઝલના જથ્થા સાથે પાંચ ઝડપાયા.
જામનગર તાલુકાના દોઢીયા ગામમાં ચાંપાબેરાજા તરફથી આવેલી બે બોલેરોમાં લઈ જવાતો ૪૫૦૦ લીટર ડીઝલનો જથ્થો પોલીસે કબજે કર્યાે છે. આ જથ્થા સાથે પાંચ શખ્સની અટકાયત કરાઈ છે.
જામનગર તાલુકાના દોઢીયા ગામ તરફ આવી રહેલી બે બોલેરોમાં ડીઝલનો શંકાસ્પદ જથ્થો હોવાની બાતમી સિક્કા પોલીસ સ્ટેશનના જીતેન્દ્ર પરમાર, બી.એમ. જાડેજા, જયપાલ મેર, કે.કે. જાડેજાને મળતા પીએસઆઈ આર.એચ. બારના વડપણ હેઠળ દોઢીયા ગામ પાસે પોલીસે વોચ રાખી હતી.
તે દરમિયાન જીજે-૩૬-વી ૫૮૬૦ તથા જીજે-૧૩-એએકસ ૧૨૫૬ નંબરની બે બોલેરો આવતા તેની તલાશી લેવાઈ હતી. તે વાહનોમાંથી ૪૫૦૦ લીટર ડીઝલ મળી આવ્યું હતું. તે જથ્થા અંગે જીપમાં જઈ રહેલા મૂળ બેડીના અને હાલમાં મિયાણા ગામમાં રહેતા આસિફ હુસેન, માજોઠી નગરવાળા રીયાઝ કરીમ લધાણી, માળીયા તાલુકાના વેજલપર ગામના અજય રમેશભાઈ ગડેશીયા તથા અબ્દુલ અનવર ભટ્ટી, માનસર ગામના નિકુલ જસુભાઈ બાવળીયા નામના પાંચ શખ્સની અટકાયત કરાઈ છે.
અંદાજે રૂ.૪ લાખ ૫ હજારના ડીઝલ તેમજ રૂ.૮ લાખની બે જીપ, છ મોબાઈલ સહિત કુલ રૂ.૧૨ લાખ ૨૫ હજારનો મુદ્દામાલ કબજે કરી પોલીસે ડીઝલના જથ્થા અંગે પૂછપરછ હાથ ધરી છે.





