માળિયા ખીરઈ ગામ નજીક સોલાર પ્લાન્ટ માંથી એલ્યુમિનિયમ અને કોપર ના વાયારની ચોરી
માળીયા તાલુકાના ખીરઇ ગામ નજીક આવેલ સિરામિક ફેકટરીમા ફિટ કરાયેલ સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા તસ્કરો રૂપિયા 30 હજારની કિંમતના એલ્યુમિનિયમ તેમજ કોપરના વાયરની ચોરી કરી જતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના ખીરઇ ગામે આવેલ એલાઈવ ગ્રેનિટો એલએલપી નામની સિરામિક ફેકટરીના મોરબી યદુનંદન સોસાયટીમાં રહેતા ભાગીદાર દિલીપભાઈ બચુભાઇ મોકસણાએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમની ફેકટરીમાં વીજ વપરાશ માટે ફેકટરી સંકુલ નજીક સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે જેમાં ઉત્પન્ન થતી વીજળી ખીરઇ જેટકો ખાતે એલ્યુમિનિયમ વાયરથી વહન કરવામા આવે છે. વધુમાં સોલાર પ્લાન્ટથી ઉત્પન્ન થતી વીજળી જેટકો વીજ કંપનીમાં મોકલવા માટે નાખવામાં આવેલ વાયર પૈકી બે થાંભલા વચ્ચેથી 250 મીટર એલ્યુમિનિયમ વાયર તેમજ જમીનમાં નાખવામાં આવેલ કોપર લેયર કેબલ 20 મીટર મળી કુલ રૂપિયા 30 હજારનો વાયર કોઈ અજાણ્યા તસ્કર ગત તા.10થી 11 ડિસેમ્બરની રાત્રીના સમયે તીક્ષ્ણ હથિયાર વડે કાપીને લઈ જતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.





