કચ્છના માધાપરની ગૌશાળામાં 6 પશુઓમાં લમ્પી દેખાતા દોડધામ
ગત વર્ષે ગુજરાતમાં હાહાકાર મચાવનાર લમ્પી વાયરસે કચ્છમાં ફરી દસ્તક દીધી છે. ભુજ તાલુકાના માધાપર ગામે યક્ષ મંદિર નજીક આવેલી ગૌશાળામાં પંદરેક જેટલા પશુઓમાં લમ્પીના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. છેલ્લા ત્રણેક દિવસથી કચ્છના પશુપાલન વિભાગની ટીમોએ પશુઓની સારવાર શરૂ કરી દીધી છે. પ્રાથમિક વિગતો મુજબ માધાપરની ગૌશાળામાં પંદર જેટલા પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે જો કે, કચ્છના પશુપાલન વિભાગ દ્વારા માત્ર ૬ કેસો હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. તમામ પશુઓના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.

કચ્છ જિલ્લામાં ઘાતક લમ્પી વાયરસે ફરી દેખા દેતા પશુપાલક અને માલધારી સમુદાયમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો બીજીતરફ કચ્છઉદયમાં લમ્પી વાયરસનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે અટકાયતી પગલા લેવાની કામગીરી વેગવાન બનાવી દેવામાં આવી છે.
આ અંગે મળતી વિગતો મુજબ અસરગ્રસ્ત એવા માધાપર ગામે આજે સવારથી પશુપાલન વિભાગની ટીમો ધસી ગઈ હતી. જયાં એકતરફ શંકાસ્પદ લક્ષણો ધરાવતા ગૌવંશોને અલગ તારવી દેવાયા છે તો બીજીતરફ માધાપર વિસ્તારના અન્ય ગૌવંશના સેમ્પલ લેવાની કામગીરીનો ધમધમાટ આજે જેવા મળ્યો હતો. આ ઉપરાંત આ વિસ્તારમાં ગૌવંશને રસીનું સુરક્ષા કવચ આપવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવાઈ છે. સંભવતઃ આજે સાંજથી જ અંદાજીત એક હજાર જેટલા ગૌવંશને લમ્પી વાયરસની રસીના ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવશે.
લમ્પી વાયરસે કચ્છમાં ફરી દેખા દીધાના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ માલધારી અને પશુપાલકોએ પણ તેને ગંભીરતાથી લઈ પોતાના ગૌવંશને લમ્પીની અસરથી બચાવવા રસી મેળવવા માટે દોટ મુકી હતી. તંત્ર દ્વારા ૧૦૦ જેટલા ગૌવંશના જુથ માટે એક વાયલ પશુપાલકોને આપવામાં આવી રહી છે. લોરિયા પંથક સહિતના પશુપાલકો તકેદારીના ભાગરૂપે ગાયોને રસીના ડોઝ આપવાની કામગીરી આરંભી દીધી છે.
તંત્રના જણાવ્યાનુસાર હાલે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. પરંતુ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગામી સમયમાં રસીકરણની કામગીરી જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વેગવાન બનાવાશે. પશુપાલન વિભાગ દ્વારા પણ માલધારીઓને શંકાસ્પદ લક્ષણો જણાય તેવા ગૌવંશોને અલગ તારવી તાત્કાલિક ધોરણે પશુ ચિકિત્સકને જાણ કરવા સુચન કરાયું છે. સરકારી તંત્ર ઉપરાંત જિલ્લામાં જીવદયાની પ્રવૃતિઓ સાથે સંકળાયેલી સ્વૈચ્છિક સંસ્થાઓ પણ અસરગ્રસ્ત ગૌવંશની સારવાર માટે આગળ આવી રહી છે. લમ્પી વાયરસના ફરી દસ્તકથી જીવદયા પ્રેમીઓમાં પણ ભારે ચિંતાનું મોજું ફેલાયું છે – રીપોર્ટ બાય – મહેશ રાજગોર ભચાઉ