મોરબી તાલુકા પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતની ઘાત ટાળવા અવેરનેસ કાર્યક્રમ યોજાયો
ઔદ્યોગિક નગરી મોરબીમાં ટ્રાન્સપોર્ટ વાહનોની દિવસરાત અવરજવર તેમજ મોરબી જિલ્લામાં પણ વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધવાને કારણે રોડ રસ્તાઓ પર એક તરફ ટ્રાફિક જામની સમસ્યા વધી છે તો બીજી તરફ વાહન ચાલકોની ઉતાવળ અને બેદરકારીના કારણે વાહન અકસ્માત પણ વધ્યા છે. અકસ્માતો અટકે તે માટે તાલુકા પોલીસ અને જિલ્લા ટ્રાફિક દ્વાર ટ્રાફિક અંગેની જાગૃતિ ફેલાવવા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.

જ્યાં નાયબ પોલીસ અધિક્ષક આઇ.એમ પઠાણ અને તાલુકા પોલીસ સ્ટેશન પી.આઈ. વિરલ પટેલ સહિતના અધિકારીઓની હાજરી માં રફાળેશ્વર ચાર રસ્તા અને ગાયત્રી સ્કૂલ મકનસર નજીક નેશનલ હાઇવે પર નીકળતા વાહન ચાલકોને રોડ સેફટી અને નિયમોની જાણકારી સાથે સાથે વાહન ચલાવતી વખતે રાખવાની તકેદારી વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ સાથે વાહનો પાછળ રેડિયમ પટ્ટી લગાવવી ફરજિયાત છે. જે નિયમો બાબતે પણ માહિતગાર કરીને જેઓએ રેડિયમ પટ્ટી નહોતી લગાવી તેવા ૧૦૦ જેટલા વાહનો પર પોલીસે રેડિયમ પટ્ટી લગાવી તેઓને જાગૃત કરવાં પ્રયત્ન કર્યો હતો.લોકોમાં જાગૃતતા આવે અને રોડ સેફ્ટી અને આરટીઓના નિયમોનું પાલન કરે એવી મોરબી જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી.