Thursday, May 1, 2025

હળવદની પતંજલિ નર્સિંગ કોલેજ ખાતે અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હળવદ : આજરોજ હળવદ ખાતે આવેલ પતંજલિ નર્સિંગ કોલેજ ખાતે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત અંગદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંગદાન અંગે વિશેષ માહિતી દિલીપભાઈ દેશમુખ દ્વારા પૂરી પાડવામાં આવી હતી જેમાં કોણ અંગદાન કરી શકે, કોને અંગદાનની જરૂર છે અને ક્યા અંગ પ્રત્યારોપણ થઈ શકે તેવી માહિતી વિસ્તૃત રીતે દિલીપભાઈએ આપી હતી.

આ કાર્યક્રમમાં હળવદ ખાતે રહેતા નવીનભાઈના દીકરી જાહ્નવીની બંને કિડની ફેઈલ થતાં તેમના માતા કૈલાશબેને કિડનીનું દાન આપી દીકરીના જીવનમાં અજવાળું કર્યું હતું ત્યારે તે માતા અને દીકરીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ હળવદના ભટ્ટફડીમાં રહેતા અનિરુદ્ધભાઈ દવેનું લિવર ફેઈલ થતાં તેમને સુરતના ગીતાબેન દ્વારા લિવરનું દાન મળતા 2016 ની સાલમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું ત્યારે અંગદાન પ્રાપ્ત કરનાર અને દીકરીને કિડનીનું દાન કરનાર બંને ખૂબ સ્વસ્થતાથી પોતાનું જીવન જીવી રહ્યા છે અને તેઓએ પણ અંગદાન કરવા માટે અપીલ કરી હતી ત્યારે આજના આ કાર્યક્રમમાં હાજર સૌ ને અંગદાન અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.

નર્સિંગ કોલેજની બહેનો ભવિષ્યમાં જ્યાં પણ ફરજ બજાવે ત્યાં અંગદાન અંગેની જાગૃતિ લાવે તેવા શુભ આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ, ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, બીપીનભાઈ દવે, રણછોડભાઈ દલવાડી, મામલતદાર નાનજીભાઈ ભાટી, કેતનભાઈ દવે, રવજીભાઈ દલવાડી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંકલન પતંજલિ કોલેજના સંચાલક ડો. અલ્પેશભાઈ સીનોજીયા તથા સામાજિક કાર્યકર તપનભાઈ દવેએ કર્યું હતું. 

Related Articles

Total Website visit

1,502,624

TRENDING NOW