મોરબી નગરપાલિકા દ્વારા કરવામાં આવતા પ્રિમોન્સુન કામગીરીના પોકળ દાવા !
મોરબી નગરપાલિકા તંત્ર શહેરમાં પ્રિ મોન્સૂન કામગીરી પુરજોશમાં ચાલતી હોવાના મસમોટા દાવા કરી રહ્યું છે. મોરબી શહેરમાં ભૂગર્ભ ગટર અને નાલાની સફાઈ કામગીરી ચાલી રહી હોવાના નગરપાલિકા ગાણા ગાઈ રહી છે જોકે કામગીરી કેવી ચાલી રહી છે તે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.
મોરબીના પંચાસર રોડ પર આવેલ પ્રમુખ સ્વામી પાર્ક પાછળના ભાગે આવેલ સ્કાય વિલા એપાર્ટમેન્ટ પાસેથી પસાર થતી ભૂગર્ભ ગટરની લાઈન લાંબા સમયથી ચોકઅપ થઈ ગઈ છે જેના કારણે ભૂગર્ભ ગટરના પાણી રોડ પર નીકળવા લાગ્યા છે અને ત્યાંથી એપાર્ટમેન્ટમાં ઘુસી રહ્યા છે. તીવ્ર દુર્ગંધ મારતા આ પાણીથી લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે તેમજ આ બાબતે અગાઉ રજૂઆત કરવા છતાં પાલિકાનો સ્ટાફ કામગીરી માટે આવશે તેવા દાવા કરી હાથ અદ્ધર કરી દેવામાં આવે છે જેના કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે.