Sunday, May 4, 2025

રફાળેશ્વર નજીક ઉદ્યોગપતિની કાર સાથે કાર અથડાવી 2.95 લાખ પડાવી લીધા : સામસામી ફરિયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીકથી સીરામીક ઉદ્યોગપતિ પોતાની કારમાં કારખાનાના હિસાબના રૂપિયા લઈને ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે સામેથી આવેલ ગાડીના ચાલકે કારખાનેદારની કાર સાથે કાર અથડાવી હતી અને બાદમાં સામેથી આવેલ કારમાં બેઠેલા શખ્સોએ ગાડીમાંથી નીચે ઉતરીને કારખાનેદારની કાર ઉપર પત્થરના ઘા ઝીંકીને કાચ તોડી નાખ્યો હતો અને કારખાનેદાર તેમજ તેની કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને માર માર્યો હતો જેથી હાલમાં ભોગ બનેલા ઉદ્યોગપતિ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 2.95 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે તો સામાપક્ષેથી એટ્રોસીટી અને રાયોટિંગ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધીને આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

મોરબીના રફાળેશ્વર પાસે થયેલ બબાલની ફરિયાદમાં સીરામીક ઉધોગપતિ અને મોરબીના રવાપર રોડ ઉપર રહેતા રજનીભાઈ પરસોતમભાઈ સુરાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, તેઓ હર્ષદભાઈ, કિરીટભાઈ કરમશીભાઈ દેત્રોજા અને પાર્થભાઈ સાથે GJ-23-BL-8171 નંબરની કારમાં સીરામીક કારખાનાના હિસાબના રૂ. 2.95,000 લઈને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રફાળેશ્વર નજીક પહોંચતા GJ-36-F-0527 નંબરની એસ્ક્રોસ કાર તેમની કાર સાથે અથડાવી કારમાં રહેલા સુલતાન, અજય અને ગૌતમ મકવાણાએ ફરિયાદીની કાર ઉપર પથ્થરમારો કરી કારમાં તોડફોડ કરી હતી તેમજ ફરિયાદીને માર મારી તેમની પાસે રહેલા રૂ. 2.95 લાખ પડાવી લીધા હતા જયારે આરોપી સુલતાન, અજય, ગૌતમ મકવાણા તથા બે અજાણ્યા શખ્સોએ છુટા પથ્થરોના ઘા મારી ફરિયાદી સાથે રહેલા હર્ષદભાઈ, કિરીટભાઈ, પાર્થભાઈ સહિતનાને ઈજા કરી હતી અને પ્રતીકને ગૌતમ મકવાણાએ ગળું પકડી માથામાં પથ્થર માર્યો હતો જેથી હાલમાં ભોગ બનેલા કારખાનેદારની ફરિયાદ લઈને પોલીસે આઈપીસી કલમ 323, 307, 395, 337, 427, 143 અને જીપી એક્ટ 135 મુજબ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી તરફ સામાપક્ષે મોરબીના લીલાપર ગામે રહેતા ગૌતમ જયંતીભાઈ મકવાણાએ આરોપી સ્કોડા કાર ચાલક અને દીપભા ગઢવી તેમજ ખીમભા ગઢવી સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી સ્કોડા કાર ચાલકે રોંગ સાઈડમાં કાર ચલાવી ફરિયાદી ગૌતમની કાર સાથે કાર અથડાવી કારમાં બેઠેલા ફરિયાદીના મિત્રો પારસ ઉર્ફે સુલતાન સાથે માથાકૂટ કરી ફરિયાદીને જાતિ પ્રત્યે અપમાનિત કરી આરોપી ખીમભા ગઢવીએ અજયને માર મારી તેમજ આરોપી ઉપસરપંચ દીપભા ગઢવી અને અન્ય 10 અજાણ્યા શખ્સોએ લાકડી, ધોકા, તલવાર, ધારીયા સાથે આવી ફરિયાદી તથા સાહેદને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાને પગલે મોરબીના સિરામિક ઉધોગકારો પ્રથમ સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા ત્યારબાદ મોડી રાત્રે એસપી કચેરી ખાતે હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ સાથે મોટી સંખ્યામાં ઉદ્યોગકારોએ ધામા નાખ્યા હતા જોકે આ ઘટનાની જાણ થતાં તુરંત જ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પણ એસપી કચેરી ખાતે દોડી આવ્યા હતા અને તેઓએ પણ પોલીસ અધિકારીને ઉગ્ર રજુઆત કરી હતી જેના પગલે મોરબી તાલુકા પીઆઈ વિરલ પટેલે એસપી કચેરી ખાતે આવીને રજુઆત કરવા આવેલા ઉધોગકારોને આ ઘટનામાં કડક અને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

Related Articles

Total Website visit

1,502,734

TRENDING NOW