મોરબી કચ્છ હાઈવે પર માળીયા નજીક આવેલ માધવ હોટલે ઉભી રહેલી બસમાંથી કચ્છના રાપરની આંગડીયા પેઢીનો કર્મચારી તેનો રોકડ ભરેલો થેલો સીટ ઉપર મૂકીને ચા-પાણી પીવા માટે બસ નીચે ઉતરતાં પાછળથી રૂપિયા 62.50 લાખ ભરેલ થેલો અજાણ્યા શખ્સો ઉપાડીને ફરાર થઈ જતાં સનસનાટી મચી જવા પામી છે.
આ બનાવ અંગે મળતી માહીતી મુજબ કચ્છના રાપરમાં હનુમાન મંદીરની પાસે રહેતા અને ઈશ્વર બેચર પટેલ આંગડીયા પેઢીમાં કામકાજ કરતા મહાદેવ રામભાઈ વાઘમારે (ઉં.વ. 43) આજે સવારે રાપરથી રાપર-મોરબી-રાજકોટ બસમાં બેસીને મોરબી આવતા હતા તે દરમિયાન બસ માળીયા નજીક હાઈવે ઉપર આવેલ માધવ હોટલે ઉભી રહેતા સૌ મુસાફરોની સાથે આંગડીયા પેઢીના કર્મચારી પણ ચા-પાણી પીવા માટે બસ નીચે ઉતર્યા હતા ત્યારે તેઓએ તેમનો કાળા કલરનો થેલો બસની સીટ ઉપર મુકયો હતો અને તે થેલામાં રોકડા રૂ. 62.50 લાખ હતા. આ રોકડ રકમ ભરેલો થેલો લઈને કોઈ અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. અધધ રકમ ભરેલ થેલો ચોરી થઈ જતા બસને સવારે સીધી જ માળીયા પોલીસ મથકે લઈ જવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતાં જ માળીયા સ્થાનિક પોલીસ અને એલસીબી એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વિધિવત ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા મેળવી ગુન્હાનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી હતી.

