ગોલો ખવડાવવાની લાલચ આપી પરિચિત દુકાનદાર બાઈક ઉપર બાળકને લઈ લાપતા
માળીયા તાલુકાના જુના ઘાંટીલા ગામના રહેવાસી બાળક માતા સાથે મામાના ઘરે મોરબી તાલુકાના ઘુંટુ ખાતે વેકેશન ગાળવા આવ્યા હતા તે દરમિયાન ગઈકાલે શુક્રવારે નાના સાથે બાળક બહાર ગયો હતો ત્યારે નાનાનો પરિચિત દુકાનદાર બાળકને ગોલો ખવડાવવા લઈ ગયા બાદ બાળક અને દુકાનદાર લાપતા થતા મામાએ દુકાનદાર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે અપહરણ અંગે ફરિયાદ નોંધાવી છે.
મોરબીના ઘુંટુ રોડ પર ઉમા રેસીડેન્સીમાં રહેતા રાજેશભાઈ શામજીભાઈ જોટાણીયાએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, તેમનો સાત વર્ષીય ભાણેજ પર્વ ભાવેશભાઈ વિડજા છેલ્લા 10 દિવસથી પોતાને ત્યાં વેકેશન હોવાથી રોકાવા આવેલ હોય જેમાં ગઈકાલે સાંજે દાદા સાથે ભાણેજ સોસાયટીના ગેટ પાસે આવેલ બાલાજી પાન નામની દુકાને ગયો હતો ત્યારે ભાણેજ પર્વને લઈ બાલાજી પાન નામની દુકાન પાસે ગયેલા નાનાને સાંજે સિક્યોરિટીની નોકરી હોય પર્વને દુકાન પાસે રમતો મૂકી જતા રહ્યા હતા બાદમાં મામા રાજેશભાઈ બાલાજી દુકાન પાસે પર્વને તેડવા જતા પર્વ જોવા મળ્યો ન હતો જેથી બાલાજી દુકાનના માલિક એવા રાજેશ ચંદુભાઈ જગોદરાના પત્ની પૂજાબેન દુકાને હાજર હતા અને તેમને કહ્યું હતું કે તેમના પતિને ઘુંટુ ગામમાં કપડા સિવડાવવા હોય પર્વને તેઓ બાઈકમાં બેસાડી લઈ ગયા છે. જો કે, ખાસો સમય વિતવા છતાં દુકાનદાર રાજેશ જગોદરા પરત ન આવતા તેમના ઘરે તપાસ કરતા ત્યાં પણ રાજેશ હાજર ન હોય અંતે બાળકના મામાએ દુકાનદાર રાજેશ ચંદુભાઈ જગોદરા વિરુદ્ધ અપહરણ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેથી મોરબી તાલુકા પોલીસ અને મોરબી એલસીબી સહિતની ટીમોએ બાળક અને દુકાનદારની શોધખોળ આદરી છે.
