હળવદ : હળવદ પંથકમાં દિન પ્રતિદિન ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. એક પછી એક તસ્કરો ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે અને તસ્કરો જાણે હળવદના નવા પીઆઈનું સ્વાગત કરતા હોય તેમ ગઈકાલે ધોળા દિવસે હળવદના શરણેશ્વર રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટના બે રહેણાંક મકાનમાંથી તસ્કરો રોકડ રૂ. 1.85 લાખની ચોરી કરી ગયા હતા.
હળવદની મુખ્ય બજારમાં કંસારાની દુકાન ધરાવતા ધર્મેશભાઈ કંસારા અને તેમના પિતરાઈ કમલેશભાઈ કંસારા શહેરના શરણેશ્વર રોડ ઉપર આવેલ શિવાલીક એપાર્ટમેન્ટમાં રહે છે જે દરમિયાન ગઈકાલે બુધવારે સાંજે સાડા પાંચથી છ વાગ્યાના અરસામાં બંને ભાઈઓ પોતાની દુકાને હતા અને ઘરની મહિલાઓ પણ દુકાને ગઈ હોય થોડો સમય બંધ રહેલા બંને ભાઈઓના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ધર્મેશભાઈ કંસારાના ઘરમાંથી અંદાજે રૂ. 85 હજાર તેમજ તેમના પિતરાઈ કમલેશભાઈના ઘરમાંથી રૂ. 1 લાખની રોકડ રકમની ચોરી કરીને તસ્કરો નાસી છુટયા હતા. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ડોગ સ્ક્વોડને હળવદ ખાતે બોલાવીને તપાસનો ધમધમાટ આદર્યો હતો ત્યારે હળવદ જાણે રામ ભરોસે થઈ ગયું હોય નિષ્ક્રિય પોલીસની ચારેકોર ટીકાઓ થઈ રહી છે.

(તસ્વીર : ભવિષ જોશી – હળવદ)