કથાના અંતિમ દિવસે પંચાયતમંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વમંત્રી ચીમનભાઈ સાપરિયા તેમજ ઉમિયાધામ સીદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા અને મૌલેશભાઈ ઉકાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા
કથા દરમિયાન અનેક લોકોએ વ્યસન છોડવાનો સંકલ્પ કર્યો : નાની નાની દિકરીઓએ મોબાઈલના વળગણને તિલાંજલિ આપી
મોરબી : મોરબી જીલ્લામાં પાટીદાર પરીવારમાં અશક્ત અને નિરાધાર 246 જેટલા વ્યક્તિઓ છે જેમના જીવન નિર્વાહ માટે ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા લજાઈ પાસે ભીમનાથ મહાદેવની બાજુમાં 40 વિઘા જમીનમાં 80 રૂમ ધરાવતા અને 200 નિરાધાર લોકોનો સમાવેશ થઈ શકે એવા બાર કરોડના માતબર રકમના બજેટવાળા માનવ મંદિરનું બાંધકામ પૂર્ણ થવાના આરે છે ત્યારે મોરબીમાં માનવ મંદિરના લાભાર્થે સતશ્રીની સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

માનવ મંદિરના લાભાર્થે યોજાયેલી સંસાર રામાયણ કથા દરમિયાન માનવતાના આ મહાયજ્ઞમાં આર્થિક યોગદાન આપનાર દોઢસો જેટલા પાટીદાર દાતાઓનું વિશિષ્ટ રીતે બનાવેલ ઉમિયાજીની મૂર્તિ દ્વારા પાટીદાર શ્રેષ્ઠી, પાટીદાર ભામાશા, પાટીદાર કર્ણ અને પાટીદાર ભગીરથ તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ઉમિયાધામ ઉંઝા અને સિદસરના હોદેદારો દ્વારા 350 જેટલા દાતાઓનું સન્માન સતશ્રીના હસ્તે ખેસ પહેરાવી કરાયું હતું. સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞમાં શિવ વિવાહ, રામ જન્મોત્સવ, શ્રવણ યાત્રા, સીતારામ વિવાહ, કેવટ પ્રસંગ, ભરત મિલાપ, શબરી પ્રસંગ, રામેશ્વર પૂજન, રામ રાજ્યાભિષેક વગેરે પ્રસંગો ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યા હતા અને સમસ્ત મોરબી પંથકના લોકોએ દદરરોજ હજારોની સંખ્યામાં કથા સ્થળે પધારી કથા શ્રવણનો લાભ લીધો હતો.

