હળવદ : હળવદ માળીયા હાઈવે પર આવેલ ઔદ્યોગિક વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે લૂંટારુ ટોળકીએ આતંક મચાવ્યો હતો અને આઠેક કારખાનામાં લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત ગંગોત્રી ઓઈલમીલના માલિકને માર મારી રોકડ તથા દાગીનાની લૂંટ ચલાવીને શખ્સો ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે ઉદ્યોગપતિઓ રોષે ભરાયા હતા જેને પગલે હળવદ પોલીસ મથકના પીઆઈ કે.જે. માથુકિયાની તાત્કાલિક અસરથી બદલી કરી નાખવામાં આવી છે.
હળવદ પોલીસ મથક આમ પણ વિવાદોમાં ઘેરાયેલું છે ત્યારે કામગીરીમાં ઢીલી નીતિ અને ખુબ જ ઓછો અનુભવ ધરાવતા પી.આઈ. કે.જે. માથુકિયાને 2019 માં હળવદ પોલીસ મથકનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો ત્યારથી હળવદ પંથકમાં પોલીસની ધાક ઓસરાઈ જતી જોવા મળી હતી તે દરમિયાન સોમવારે હળવદના ઔદ્યોગિક વિસ્તારમાં લૂંટારુ ટોળકીએ આતંક મચાવતા વેપારીઓમાં પ્રચંડ આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો જેને પગલે મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા પી.આઈ કે.જે. માથુકિયાની તાબડતોબ બદલી કરીને તેમને મોરબી ખાતે લિવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે જયારે મોરબી ખાતે લિવ રિઝર્વમાં રહેલા પીઆઈ એમ.વી. પટેલને હળવદના નવા પીઆઈ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
