માળીયા : માળીયા મિંયાણા શહેરને પાયાની સુવિધાઓ મળી રહે તથા અનેક પ્રશ્નોના નિરાકરણ માટે માળીયાના સામાજીક કાર્યકર જુલ્ફીકાર સંધવાણીએ મામલતદાર કચેરી પાસે આમરણાંત ઉપવાસ ચાલુ કરી માળીયા તાલુકાને વિકસિત બનાવવા માટે તંત્ર સામે જંગ છેડી છે અને જ્યાં સુધી પ્રશ્નોનો નિકાલ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નીર્ધાર કર્યો છે.
માળીયામાં બસ સ્ટેશનનું નવનિર્માણ, SSC બોર્ડનું પરીક્ષા કેન્દ્ર ફરીથી શરુ કરવા બાબત, વોર્ડ નંબર 1, 2, 4 અને 6 વાંઢ વિસ્તારના રહેવાસીઓને વીજ કનેક્શન આપવા બાબત, માળીયા રેફરલ હોસ્પિટલમાં સુપ્રીન્ટેડન્ટની જગ્યા ખાલી છે તેને ભરવા બાબત અને ટેક્નિકલ સ્ટાફની જગ્યાઓ તાત્કાલિક ભરવા યોગ્ય હુકમ કરવા બાબત, રેફરલ હોસ્પીટલના સ્ટાફના ક્વાર્ટર તદ્દન જર્જરીત હોય તેને પાડી નવા બનાવવા તાત્કાલીક હુકમ કરવા, શહેરની મામલતદાર કચેરીનું નવનિર્માણ કરવા, તાલુકા પંચાયત કચેરીનું નવનિર્માણ કરવા, પશુ દવાખાનાનું નવનિર્માણ કરવા, મામલતદાર ઓફીસથી નેશનલ હાઇવે રોડ તદ્દન બીસ્માર હાલતમાં હોવાથી તેને નવેસરથી ડામર અથવા આર.સી.સી. થી બનાવવા બાબત, રેલ્વે જંકશન પરથી પસાર થતી તમામ ટ્રેનોનો સ્ટોપ આપવા, આશાવર્કર બહેનોને 2250 રૂપીયા પગાર આપવામાં આવે છે તેમાં યોગ્ય વધારો કરવા, જે આંગણ વાડીઓ બંધ છે તેને વહેલી તકે ચાલુ કરવા, મધ્યાહન ભોજનના સંચાલકને 1600 રૂપીયા, રસોયાને 1400 રૂપીયા અને મદદનીસને 700 રૂપીયા પગાર આપવામાં આવે છે તેમાં યોગ્ય વધારો કરવા, માળીયા મિંયાણાની ગરીબ પ્રજાને લાઈટનું બીલ પીપડીયા ચાર રસ્તે ભરવા જવુ પડે છે તેની જગ્યા માળીયા શહેરમાં કરી આપવા, ATM ની સુવિધા પુરી પાડવા તથા માળીયા મિંયાણા શહેરને સરકારી હાઈસ્કુલ આપવા સહિતના અનેક પ્રશ્ને સામાજીક કાર્યકર જુલ્ફીકાર સંધવાણી દ્વારા મામલતદાર કચેરીએ આમરણાંત ઉપવાસ શરુ કરવામાં આવ્યા છે.