મોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા યુવકે પ્રેમ લગ્ન કર્યા હોય જેનો ખાર રાખી યુવતીના બે ભાઈ સહિતના સાત શખ્સોએ યુવકના પિતાને લોખંડના પાઈપ અને ધોકાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકના પિતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં જૂની નિશાળ સામે રહેતા ગોપાલભાઈએ પ્રેમ લગ્ન કર્યા હોય જે બાબતનો ખાર રાખી યુવકની પત્નીના બે કૌટુંબિક ભાઈ કિશન ભવાનભાઈ ભરવાડ અને ગોપાલ ભવાનભાઈ ભરવાડ સહીત સંજય ભરવાડ, વાલજી ઉર્ફે વિપુલ ભરવાડ અને ત્રણ અજાણ્યા ઈસમોએ બે રિક્ષાઓમાં યુવકના પિતાની દુકાને આવી તેના પિતાને લોખંડના પાઈપ અને લાકડાના ધોકા જેવા હથિયારોથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે યુવક ગોપાલભાઈના પિતા ચંદુભાઈ જીવાભાઈ ઉઘરેજાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધાવતા પોલીસે સાતેય ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.