મોરબી : મોરબીની નટરાજ ફાટકે સવારે બીએસએનએલના નિવૃત કર્મચારીએ ડેમુ ટ્રેન હેઠળ પડતું મૂકીને આપઘાત કરી લેતા ચકરાર મચી જવા પામી છે. રેલવે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વૃદ્ધે હાઈ બીપીની બીમારીને કારણે આપઘાત કર્યો હોવાનું ખુલ્યું છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા અને બીએસએનએલના નિવૃત કર્મચારી મગનભાઈ મોહનભાઇ મિયાત્રા (ઉ.વ. 71) એ આજે શનિવારે નટરાજ ફાટકે સવારે 8 વાગ્યાની આસપાસ વાંકાનેરથી મોરબી તરફ આવતી ડેમુ ટ્રેન હેઠળ પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં રેલવે પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને રેલવે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક 25 વર્ષથી હાઈ બીપીની બીમારીથી પીડાતા હોય જે બીમારીને કારણે તેઓએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.