મોરબી : કોઈપણ અધિકારીઓની નિમણુંક પ્રજાની સમસ્યાઓના નિરાકરણ માટે થતી હોય છે અને આમ જનતા પણ પોતાની સમસ્યાઓને લઈને અધિકારીઓને અનેક રજૂઆતો કરતી હોય છે ત્યારે અધિકારીઓ પણ પ્રજાના પ્રશ્નોની ગંભીરતા પારખી તેમાં અંગત રસ લઈને સમસ્યાનો હલ કરતા હોય છે. આવો જ એક બનાવ મોરબીમાં પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીના વાવડી રોડ પર આવેલ સોસાયટીઓમાં પાણીની વિકટ સમસ્યા હતી જે અંગે સ્થાનિકોએ નગરપાલિકામાં રજૂઆત કરતા ચીફ ઓફિસરે અંગત રસ લઈને પાણીનો પ્રશ્ન હલ કર્યો હતો.
મોરબીના વાવડી રોડ પર આવેલ ભક્તિનગર સોસાયટી, મારુતિનગર સોસાયટી, વાટિકા સોસાયટી, સંત કબીરનગર સહિતની સોસાયટીઓમાં ભરઉનાળે પાણીની વિકટ સમસ્યા સર્જાય હતી જેથી સ્થાનિકોએ નગરપાલિકા તેમજ કલેકટર કચેરીએ દોડી જઈને ઉગ્ર રજુઆત કરી હતી જેથી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના તંત્રએ આ સોસાયટીઓના પાણી પ્રશ્નનો ટૂંકા સમયમાં હલ કરતા સોસાયટીના રહેવાસીઓ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરનું હારતોરા કરીને સન્માન કરાયું હતું અને પાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો.
