મોરબી જીલ્લામાં આસીસ્ટન્ટ ચેરીટી ભવનનું મુખ્યમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ ભુમિપૂજન કરાયું

મોરબી : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા રાજયના કાયદા અને મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મોરબી જિલ્લાના આસીસ્ટન્ટ ચેરીટી ભવનના ભુમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. મોરબી જીલ્લા સહિત ૮ જિલ્લાઓમાં આઝાદીના અમૃત મહોત્સવ ઉપલક્ષી મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષસ્થાને તકતીની અનાવરણ વિધી કરવામાં આવી હતી.
રૂ. ૨૨ કરોડના કુલ ખર્ચે નવા નિર્માણ થનાર ૮ ચેરીટી ભવનોના ઈ-ખાત મુર્હત કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો હતો તેમજ મુખ્યમંત્રીએ રાજયના ચેરીટી તંત્રને ૪ કરોડ જેટલા ડોક્યુમેન્ટ્સના ડીજીટલાઈઝેશનની ભગીરથ કામગીરી પૂર્ણ કરવા માટે આ અવસરે અભિનંદન પાઠવ્યા હતા. આ નવા ચેરીટી કચેરી ભવનો મોરબી, ગીર સોમનાથ, વેરાવળ, બોટાદ, અરવલ્લીના મોડાસા, સુરેન્દ્રનગર, ભુજ, લુણાવાળા તેમજ હિમ્મતનગરમાં નિર્માણ થનાર છે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ડીજીટલ ઈન્ડીયાના સંકલ્પને પાર પાડવામાં ચેરીટી તંત્રનો ઘણો સહયોગ રહ્યો છે. તેમજ રાજયમાં નોંધાયેલા ૩.૫૦ લાખ જેટલા ટ્રસ્ટની કામગીરીના નિયમન અને મદદ માટે ચેરીટી તંત્રએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સંખ્યાબંધ સુધારાઓની પહેલ કરેલી છે જેનાથી આ નવી બનનારી ચેરીટી કચેરીઓના ભવનોને કારણે લિટીગન્સને સરળતાથી ન્યાય મળશે તેમજ આધુનિક ભવનો થવાથી ચેરીટીને લગતી કામગીરી માટે અલગ અલગ સ્થળોએ જવુ પડતુ તેનુ પણ નિવારણ આવશે.
કાયદામંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજયના તમામ ધાર્મિક અને સખાવટી ટ્રસ્ટોનો વહીવટ સમાજના વિશાળ હિતને લાગુ પડતું હોવાથી આવા ટ્રસ્ટોની મિલ્કતો સમાજના હિતમાં ઉપયોગી થાય અને વહીવટદારો તેનો સુયોગ્ય વહીવટ કરે તેવા ઉમદા હેતુંથી રાજ્યના ચેરીટી તંત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે આ વધુ ૮ જિલ્લાઓમાં ચેરીટી કચેરીઓના નવા ભવનનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઓનલાઈન ભુમિપૂજન કરવામાં આવ્યું હતું.
આસીસ્ટન્ટ ચેરીટી કમિશ્નર પૃથ્વીરાજસિંહ જાડેજાએ મોરબી ખાતે ચેરીટી કમિશ્નર કચેરીના બાંધકામ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, મોરબી તાલુકાના શનાળા ગામે ૨.૪૭ કરોડના ખર્ચે નિર્માન થનારા બિલ્ડીગમાં ટ્રસ્ટોને એક જ જગ્યાએ બધી સુવિધાઓ પુરી પડાશે જેના અંતર્ગત ટ્રસ્ટોની નોંધણી રેગ્યુલાઈઝેશન, હિસાબોની ચકાસણી, ટ્રસ્ટના ફેરફારો જેવી કામગીરી થઈ શકશે.

મુખ્યમંત્રીએ રાજયમંત્રી દેવાભાઈ માલમ, કાયદા સચિવ રાવલ, ચેરીટી કમિશ્નર શુકલા, વરિષ્ઠ અધિકારીઓ તથા જિલ્લા મથકોએ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ ચેરીટી કચેરીઓના વર્ચ્યુઅલ ખાત મુર્હત કર્યા હતા. મોરબી જિલ્લા કચેરીએ જિલ્લા કલેકટર જે.બી. પટેલ, અધિક કલેકટર એન. કે. મુછાર, આસીસ્ટન્ટ ચેરીટી કમિશ્નર પૃથ્વીરાજસિંહ જાડેજા તેમજ વિવિધ વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.