મોરબીના સ્માર્ટફોન ધારકો માટે લાલબતી સમાન કિસ્સો !
મોરબી : હાલના સમયમાં અતી આધુનિક એન્ડ્રોઈડ ફોન અને સોશ્યલ નેટવર્કિંગ થકી માણસોનાં નાના મોટા અનેક કામો આસાન થઈ ગયા છે તો સાથે સાથે હાલના સમયમાં સોશ્યલ નેટવર્કિંગનાં ફાયદા સામે ગેરફાયદા પણ ઘણા છે જેમ કે સોશિયલ મીડીયામાં ફેક એકાઉન્ટ બનાવીને કોઈ વ્યક્તિને બ્લેકમેઈલ કરી નાણાં પડાવવા અથવા કોઈની સાથે છેતરપિંડી કરવી સહિતના અનેક બનાવો સમાજમાં સામે આવી રહ્યા છે ત્યારે અમુક ઈસમો ફેસબુકમાં એકાઉન્ટ બનાવીને યુવાનોને રીકવેસ્ટ મોકલે છે ત્યારબાદ આ ટોળકીની જ એક યુવતી નિર્વસ્ત્ર થઈને યુવકને વિડીયો કોલ કરી બાદમાં બ્લેકમેઈલ કરે છે.
મોરબી ઉદ્યોગનગરી તરીકે વિશ્વભરમાં જાણીતું છે જેથી મોરબીના અનેક યુવાનો સુખી સંપન્ન હોય જ તે સ્વાભાવિક છે ત્યારે છેલ્લા ઘણા સમયથી મોરબીના યુવાનોને બીભત્સ વિડીયો કોલ કરીને બ્લેકમેઈલ કરતી ટોળકી સક્રિય થઈ છે. જેની વિગત જોઈએ તો, સૌપ્રથમ છોકરીના નામથી ફેસબુકમાં એકાઉન્ટ બનાવીને યુવાનોને રિકવેસ્ટ મોકલવામાં આવે છે બાદમાં એક યુવતી હાઈ હેલ્લોથી વાતની શરૂઆત કરીને થોડા સમય વાત કર્યા બાદ યુવકને લલચાવી ફોસલાવીને તેના ફેસબુક એકાઉન્ટમાંથી નંબર લઈને વોટ્સએપ મારફત અથવા ફેસબુકમાંથી વિડીયો કોલ કરે છે જે વિડીયો કોલમાં યુવતી નિર્વસ્ત્ર હોય છે. આ વિડીયો કોલનું યુવતી દ્વારા સ્ક્રીન રેકોર્ડિંગ કરી લેવામાં આવે છે બાદમાં યુવક પાસે પૈસાની માંગણી કરવામાં આવે છે અને યુવકે પૈસા આપવા ઈન્કાર કરે તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશું તેવી ધમકી આપવામાં આવે છે જેથી વિડીયો વાયરલ થવાના ડરથી ઘણા બધા યુવકો પૈસા આપીને લૂંટાતા હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આવા બનાવોનો ભોગ મોરબીના ઘણા યુવાનો બન્યા છે પરંતુ સમાજમાં આબરૂ જવાના ડરથી યુવાનો પોલીસનો પણ સંપર્ક કરતા નથી માટે આવો કોઈ પણ બનાવ યુવાનો સાથે બને તો નિસંકોચપણે પોલીસનો સંપર્ક કરવો જોઈએ તેમજ કોઈપણ લોભ લાલચમાં ફસાયા વગર યુવાનો ટેક્નોલોજીનો સદુપયોગ કરે તે અત્યંત જરૂરી છે.