હળવદ : હળવદના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સાગર સોલ્ટ નામના કારખાનામાં ગઈકાલે બુધવારે દીવાલ પડતા 12 જેટલા કામદારો કાળનો કોળીયો બની ગયા હતા જે ગોઝારી દુર્ઘટનાને પગલે હળવદના વેપારીઓએ પોતાના વેપાર ધંધા અડધો દિવસ બંધ રાખીને મૃતકો પ્રત્યે સંવેદના દાખવી હતી.
ગઈકાલે બુધવારે હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં દીવાલ ધરાશાયી થતાં 12 જેટલા લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા જે દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાત સહીત દિલ્હી સુધી પહોંચ્યા હતા. આ દુર્ઘટનાને પગલે હળવદના વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સે સમગ્ર હળવદ બંધનું એલાન કર્યું હતું જેથી હળવદના તમામ વેપારીઓએ અડધો દિવસ પોતાના વેપાર ધંધા બંધ રાખીને મૃતકોને ભારે હૈયે શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમજ શોકસભા યોજીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે તેમ પણ વેપારીઓ દ્વારા જણાવાયું છે.
