જુનાગઢમાં વણઝારી ચોક વિસ્તારમાં રહેતી પરણિતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લીધો હતો. મહિલાના મોત બાદ અંતિમયાત્રા સમયે પતિએ પણ ઝેરી દવા પી લેતા તેનું પણ મોત નિપજતા સમગ્ર જુનાગઢ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ જૂનાગઢ વણઝારી ચોક વિસ્તારના બેસ્ટ હાઉસ એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષદાબેન વસાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી ટીકડા ખાઈ લીધા હતા જેથી તેમનું મોત નિપજ્યું હતું જ્યારે હર્ષદાબેનની સ્મશાનયાત્રા નીકળે તે પૂર્વે તેના પતિ ભવ્યભાઈ વસાએ પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેથી સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમ્યાન ભવ્યાભાઈનું પણ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
વધુ મળતી વિગતો મુજબ ભવ્યભાઈ વસા એમ.આર. તરીકે નોકરી કરે છે. તેમના ગત વર્ષ હર્ષદાબેન (ઉ.વ.27) સાથે લગ્ન થયા હતા. બંને પતિ-પત્નીના આપઘાતના આ બનાવના કારણે સમગ્ર જુનાગઢ પંથકમાં ચકચાર મચી ગઈ છે તેમજ પરિવારમાં પણ શોકનો માહોલ સર્જાયો છે.